સંગઠિત ખેડૂત શકિતએ રેલ્વે અધિકારીઓને તગેડી મૂકયા

પ્રભાસપાટણ તા ૧૬: ગીર સોમનાથથી કોડીનાર સુધી મોટી કંપનીઓના લાભાર્થે કેન્દ્ર સરકાર લીલી નાઘેરની કિંમતી ફળદ્રુપ જમીન ખેડૂતો પાસેથી છીનવીને નવી બ્રોડગેજ રેલ લાઈન નાખવા માંગે છે. એના માટેનું જાહેરનામું બહાર પડ્યું ત્યારે ખેડૂતોએ લગભગ ૪૦૦૦ જેટલા બાઈકની રેલી કાઢીને નાયબ કલેકટરને વેરાવળ જઈ આવેદન પત્ર અને પોતાના વ્યકિતગત વાંધા આપ્યા હતા. ખેડૂતોએ ઉઠાવેલા વાંધાઓનો આજ સુધી રેલવે કે કલેકટર તરફથી કોઈ જવાબ અપાયો નથી. ત્યારે ખેડૂતોને જાણ થઇ કે પોલીસ પ્રોટેક્ષન સાથે સર્વે કામ કરવા આવવાના છે. ગઇ કાલે ખેડૂતો ૧૫૦૦ની સંખ્યામાં એકઠા થયા હતા, ખેડૂતોએ અધિકારીઓ પાસે એમના ઓળખકાર્ડ માગ્યા જે રેલવેના અધિકારી પાસે નહોતું. સક્ષમ અધિકારીની હાજરી હોવી જોઈએ તે નહોતી, માત્ર પોલીસ અને ખાનગી કંપનીના કર્મચારીઓ રેલવે અધિકારી સાથે હતા. એમની પાસે જુના જાહેરનામાની નકલ હતી, એ લઈને જ ખેડૂતોને છેતરવા આવ્યા હતા! તેવો કચવાટ જોવા મળેલ.
તંત્ર દરેક જગ્યાએ થાય છે તેમ ખેડૂતોને ડરાવી-ધમકાવી કેસ કરવાની ધમકી આપી કામ કઢાવવા આવ્યા હતા પરંતુ ખેડૂતોની જાગૃતિ અને હિમ્મત તથા સંગઠનશકિતને કારણે રેલવે અધિકારીએ લેખિત આપવું પડ્યું કે જયાં સુધી ખેડૂતોના વાંધાનો નિકાલ ના આવે, ખેડૂતો સહમત ના થાય ત્યાં સુધી સર્વે કરવા નહીં આવે.
સર્વશ્રી રામભાઈ વાઢેર, કેશુભાઈ જાદવ, ગીર-સોમનાથ જિલ્લા ખેડૂત એકતા મંચના પ્રમુખ શ્રી રમેશભાઈ બારડ, શ્રી હરિભાઈ વાળા, રાજુભાઈ સોલંકી, દીપકભાઈ કાછેલા, વિક્રમભાઈ પટાટ, જેન્તીભાઈ બારડ, ભગીરથ ઝાલા, મુળુબાપા, કાળા બાપા, કનુભાઇ પરમાર,સંજય મોરી, મુકેશ રાઠોડ વગેરે ૧૫૦૦ જેટલા ખેડૂતો સાથે આખો વખત સ્થળ પર હાજર રહ્યા હતા.
આ તમામ ખેડૂતોની એક જ વાત છે કે 'અમે અમારી કિંમતી, ફળદ્રુપ લીલી નાદ્યેર કહેવાતી જમીન આપવાના નથી, એમને રેલવે બનાવવી જ હોય તો બીજા વિકલ્પો ખાલી છે ત્યાં જાય... અમારો જીવ જાય તો ભલે, કોઈપણ સંજોગોમાં જમીન તો નહીં જ આપીએ'.