શ્રી કૃષ્ણના ૪ પશ્ચિમાભિમુખ શ્રી કૃષ્ણ મંદિર માંહેનું એક સુપેડીમાં આવેલું છેઃ ૮૦૦ વર્ષ પૌરાણિક સ્થાપત્ય
ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરના વિદ્યાર્થીઓએ અણમોલ વારસાનું દસ્તાવેજીકરણ કર્યું

રાજકોટઃ સૌરાષ્ટ્ર પાસે સ્થાપત્યકલાનો સમૃધ્ધ વારસો છે. સ્થાપત્યકલાના વિદ્યાર્થીઓ માટે સ્થાપત્યકલાના લક્ષણો, વિશેષતાઓ, લોકાભિમુખ રચના તથા નિર્માણ પધ્ધતિની સમજ કેળવવી એ અત્યંત મહત્વની બાબત છે. જે અનુસંધાને ગુજરાતની અદભુત સામાજીક-સાંસ્કૃતિક સ્થાપત્યકલાની વિરાસત ધરાવતા દક્ષિણ સૌરાષ્ટ્રના ઓછા જાણીતા સ્થળ એવા સુપેડી (તા. ધોરાજી)ની ઇપ્સાના ૪થા સેમેસ્ટરના વિદ્યાર્થી તેમજ અધ્યાપકગણે સ્થાપત્યકલાનો ઇતિહાસ વિષય અંતર્ગત શૈક્ષણિક મૂલાકાત લીધેલ હતી.સુપેડી ગામ રાજકોટ તાલુકામાં ઉનાવળી નદીના કાંઠે વસેલુ છે. સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિર નામનો મંદિરોનો સમૂહ આવેલો છે, જેની અંતર્ગત જમીનસ્તરથી ઉપર મજબુત બાહરી દિવાલો ધરાવતા ચાર મંદિરો નિર્માણ પામેલા છે, આ ચાર મંદિરોમાંથી મુખ્ય મંદિર શ્રીકૃષ્ણ ભગવાનનું, બે મંદિરો શિવજીનાં તથા એક શ્રીરામનું છે. આ મંદિરોસ્થાપત્યકલાના મારૂ ગુર્જરા (નાગર) શૈલીના ઉત્તમ ઉદાહરણો છે, અને એક અનુમાન પ્રમાણે તેનું નિર્માણ ઇ.સ.ની ૧૩મી શતાબ્દી આસપાસ થયેલ છે.
સ્થાપત્યકલાનાં ઇતિહાસ વિષયના એક ભાગ તરીકે ઇપ્સાના વિદ્યાર્થીઓએ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ આ ચાર મંદિરોની આંતરીક રચનાના માપ-સાઇઝની વૈજ્ઞાનિક ઢબે માપણી કરી ડ્રોઇંગ, નિર્માણ તથા નોંધ કરેલ હતા તેમજ ધાર્મિક વિધી-વિધાનોનું દસ્તાવેજીકરણ કરેલ હતું. આશ્ચર્યજનક રીતે દ્વારકાધીશ તથા ડાકોરના મંદિરો ઉપરાંત ગુજરાતમાં શ્રીકૃષ્ણના પશ્ચિમાભિમુખ શ્રીકૃષ્ણ મંદિર તરીકે આ ચાર મંદિરોમાનું એક મંદિર છે.
અધ્યાપકગણે સૌરાષ્ટ્રની અમૂલ્ય ધરોહર સમાન સુપેડીના સ્થાપત્યોનું ટેકનીકલ ધારા-ધોરણ મુજબ દસ્તાવેજીકરણ કરાવીને કાળક્રમે નાશવંત ધરોહરના મૂલ્યોનું અવલોકન આજની પેઢીને કરાવ્યું, સાથોસાથ વિદ્યાર્થી તેમજ અધ્યાપકગણે વિસ્મયજનક પૂરાતન ભારતીય સ્થાપત્ય ટેકનીકથી અભિભૂત બની વિરલ માહિતી તથા જ્ઞાન મેળવેલ હોવાનું રાજકોટની વી.વી.પી. સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.