ભાણવડ રાણપર ગામે દિપડો પાંજરે પુરાયો

ખંભાળીયા, તા. ૧૬ : ભાણવડ તાલુકાના રાણપર ગામ વિસ્તારની આજુુ-બાજુ દિપડો બરડા અભ્યારણ્યમાંથી અવાર નવાર શિકાર કરવા માટે બહાર નિકળતો હોય અને માલ-ઢોર કે પાલતુ પશુ-પ્રાણીઓનો શિકાર કરતો હોવાનું અવાર નવાર બને છે જે અંગે રાણપર ગામના સરપંચશ્રી તથા ખેડૂતો તેમજ ગામ લોકો દ્વારા સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ કચેરીને જાણ કરતા હર્ષાબેન ડી. પંપાણીયા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર સામાજીક વનીકરણ રેન્જ ભાણવડના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સીદાભાઇ આર. વકાતર, કવાભાઇ બી. પાટડીયા, મધુબેન ડી. કરંગીયા, પરાગ બી. ત્રિવેદી, ઇબ્રાહીમભાઇ હિંગોરા, રાજેન્દ્રસિંહ ઝાલા, સુખદેવસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા રાણપર ગામના રેવન્યુ વિસ્તારમાં શામળાસાપીરની દરગાહ પાસે આ બાબતે દિપડાના પગ માર્ક જોવા મળેલ.
જે અનુસંધાને દિપડાને પકડવા માટે રાણપરના રેવન્યુ વિસ્તારમાં શામળાસાપીરની દરગાહ પાસે દિપડાને પાંજરામાં લાવવા માટે પાંજરામાં મચ્છી તેમજ અન્ય માંસાહારી ખોરાક રાખવામાં આવેલ તથા પાંજરા નજીક વન વિભાગના સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવેલ અને સવારે દિપડો પાંજરામાં પુરાયેલ. ત્યાર બાદ વન વિભાગ દ્વારા દિપડાને પાંજરા સાથે વન ચેતના કેન્દ્ર ઘુમલી ખાતે વન વિભાગના સ્ટાફની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે અને વેટરનરી ડોકટર દ્વારા દિપડાની શારીરિક તપાસ કર્યા બાદ બરડા અભ્યારણ્ય અથવા સાસણ ખાતે મુકત કરવામાં આવશે.