રૂપિયા માટે નહીં, પણ ફરી ટીકીટની ખાત્રી સાથે પ્રજાના પ્રશ્નો ઉકેલવા રાજીનામુ આપ્યું- પ્રદ્યુમ્નસિંહ જાડેજા
ભાજપે ખેલ પાડ્યા બાદ કચ્છ કોંગ્રેસમાં ચર્ચા પ્રદ્યુમ્નસિંહ રૂપિયાની સોદાબાજીમાં વેંચાયા અને મતદારો સાથે ગદ્દારી કરી

ભુજ તા. ૧૬: રાજયસભાની ચૂંટણી દરમ્યાન હોર્સ ટ્રેડિંગ અંગે કોંગ્રેસને રામરામ કરનારા ધારાસભ્યો વિશે રાજયભરમાં અટકળોના ચાલી રહેલા દોર વચ્ચે કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભારે ચર્ચામાં રહ્યા હતા. જોકે, કોંગ્રેસના રાજયસભાના બન્ને ઉમેદવારોને રૂબરૂ અભિનંદન આપ્યા બાદ તે સમાચાર મીડીયાને મોકલનાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ એકાએક કોંગ્રેસ છોડીને ભાજપમાં મારેલી પલ્ટી બાદ કચ્છના રાજકીય માહોલમાં આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. કચ્છના કોંગ્રેસી કાર્યકરોએ પ્રદ્યુમ્નસિંહ ઉપર અબડાસાના મતદારો સાથે ગદ્દારી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તો, કોંગ્રેસને ચૂંટનાર અબડાસાના મતદારોને પ્રદ્યુમ્નસિંહે રૂપિયા લઈને છેહ આપ્યો હોવાની ચર્ચા અને ચોંકાવનારા આક્ષેપ પણ થયા હતા. જોકે, મીડીયાને એક દિવસ પહેલાં સબ સલામત સાથે કોંગ્રેસ છોડવાની વાતને અફવા ગણાવનાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરાયેલી સ્પષ્ટતા ને અંતે પોતે કોંગ્રેસ છોડી હોવાની કબૂલાત કરી હતી. રૂપિયાની લાલચ ભાજપે આપી હોવાની વાતને રદિયો આપતાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોતે રૂપિયાની સોદાબાજી નથી કરી, પણ અબડાસા ના મતદારોના પ્રશ્નો ઉકેલવા, તેમ જ પેટા ચૂંટણીમાં પોતાને ફરી ટીકીટ આપવાની ભાજપની શરત ઉપર રાજીનામુ આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. પોતે ભાજપ સમક્ષ કરેલી પાંચ માંગણીઓ અંગે પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, (૧) અબડાસાના ખેડૂતો માટે અહીં નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચે, (૨) નખત્રાણાની કોલેજ ચાલુ રાખી અહીં ઉચ્ચ શિક્ષણની સુવિધા જળવાય, (૩) ઉદ્યોગોમાં સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવા, (૪) મકાનોને મહેસુલી દફતરે ચડાવી આકારણી કરવા અને (૫) નખત્રાણામાં બાયપાસ રોડ બનાવી ટ્રાફિક સમસ્યા હળવી કરવી, આ તમામ રજૂઆતો ઉપર કામ કરવાની સરકારે ખાત્રી આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.