ભાણવડનાં રાણાપરમાંથી ઝડપાયેલ દિપડાને બરડા અભ્યારણ ખાતે મુકત

ખંભાળીયા-ભાણવડ, તા. ૧૬ : રાણપર ગામે બરડા અભ્યારણમાંથી દિપડો અવારનવાર રાણપર ગામમાં ચડી આવતો હોવાનું અને માલ-ઢોરના મારણ કરતો હોવાની સરપંચ તથા ખેડૂતોની સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ કચેરીને કરવામાં આવેલી રજુઆતને પગલે આરએફઓ હર્ષાબેન ડી. પંપાણીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સીદાભાઇ વકાતર, કવાભાઇ પાટડીયા, મધુબેન કરંગીયા, પરાગ બી. ત્રિવેદી, હિબ્રાહિમભાઇ હીંગોરા, રાજેન્દ્રસિંહ ઝાલા તથા સુખદેવસિંહ જાડેજાએ સ્થળ તપાસ કરતા રાણપર ગામના રેવન્યુ વિસ્તારમાં શામળા શાપિરની દરગાહ પાસે દિપડાના પગના નિશાન જોવા મળેલા હતા આથી દિપડાને પકડવા માટે આ સ્થળે મારણ સાથેનું પિંજરૂ તા. ૧૩ ના રોજ મુકવામાં આવેલ અને પાંજરા આસપાસ વન વિભાગના સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે ગઇકાલે સવારે ૯ વાગ્યે દિપડો પાંજરામાં પુરાયો હતો જેને વન ચેતના કેન્દ્ર ઘુમલી ખાતે વન વિભાગના સ્ટાફની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ અને વેટરનરી ડોકટર દ્વારા દિપડાનું ચેકઅપ કરવામાં આવ્યા બાદ માઇક્રો ચિપ લગાડી આજે સાંજે ૬ વાગ્યે બરડા અભ્યારણ ખાતે મુકત કરવામાં આવેલ છે.