સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th May 2024

ભાવનગરના આલપરા ગામના પાદરમાં માતાજીના મંદિરમાં જઇને જવલનશીલ પ્રવાહી છાંટીને યુવકનો આપઘાત

ધંધામાં મંદી તથા દેણુ વધી જતા આપઘાત કરી લીધાનું તારણ

ભાવનગરઃ ઘોઘા તાલુકાનુ આલપરા ગામના પાદર ખાતે આવેલા ખોડીયારમાના મંદિર જઈને માતાજીની સામે જઈને ભાવનગરના યુવકે અગ્નિસ્નાન કરી લેતા ભારે ચકચાર જાગી છે. ભાવનગર શહેરના ઘોઘા સર્કલ, શ્રમજીવી અખાડા ખાતે રહેતા ગોવિંદભાઈ ધનજીભાઈ ધાપા (ઉ.46) મકાન લે વેચનો ધંધો કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી ધંધામાં મંદી હતી. જેને લીધે લેણું વધી ગયુ હતું. નાણાકીય મુશ્કેલી વધી જતા તેઓએ જીવન ટૂંકાવી લેવાનો ટૂંકો વિચાર કરીને ઘોઘા તાલુકાના આલપરા ગામે ગયા હતા. જ્યાં કુળદેવી ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે.

મૂળ ગામ હાથબ ગામના વતની અને હાલ ભાવનગર રહેતા ગોવિંદભાઈ માતાજીના મંદિરમાં પ્રવેશ કર્યો હત, અને માતાજીની સામે જ કોઈ જલવંત પ્રવાહી શરીર ઉપર છાંટયુ હતુ, ગત તા. ૩ મે, રાત્રીના પોણા અગિયાર આસપાસ આ ઘટના બનતા તેઓએ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા, જેથી તેઓનુ મૃત્યુ થયુ હતું. આ બનાવ બનતા ઘોઘા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી ભાવનગર હોસ્પીટલ લઇજય P. M કરાવી ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

(2:41 pm IST)