શહેરીજનોને ખાડા-ખબચડામાંથી વહેલી તકે મુકત કરોઃ પદાધિકારીઓની તાકિદ
જુદા-જુદા ઝોનમાં વોર્ડ વાઇઝ તાત્કાલીક રસ્તા કામ શરૂ કરવા અધિકારીઓને સુચના : મીટિંગ યોજાઇ

રાજકોટ,તા. ૨૧: શહેરમાં વરસાદને કારણે ધોવાઇ ગયેલ રસ્તાઓનું સમારકામ અને નવા બનાવવાની કામગીરીનો એકશન પ્લાન તાકીદે શરૂ કરવા મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારના લોકોની સુખાકારી ધ્યાને લઇ રોડ રસ્તાના એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ. તેમજ તેને આનુષાંગિક રકમની પણ ફાળવણી કરવામાં આવેલ. આજરોજ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા દ્વારા જુદા જુદા ઝોનના સિટી એન્જીનીયરો સાથે આજરોજ મીટીંગ કરવામાં આવેલ. તેમજ જુદા જુદા વિસ્તારોમાં મંજુર કરવામાં આવેલ એકશન પ્લાન સત્વરે શરૂ કરવા સુચના આપવામાં આવેલ. આ મીટીંગમાં સેન્ટ્રલ ઝોનના ઇચા.સિટી એન્જીનીયર એચ.એમ. કોટક, ઈસ્ટ ઝોનના ઇચા.સિટી એન્જીનીયર વાય.કે. ગોસ્વામી, વેસ્ટ ઝોનના ઈ.ચા.સિટી એન્જીનીયર કે. એસ. ગોહેલ, ચીફ એકાઉન્ટન્ટ એ. એલ. સવજીયાણી ઉપસ્થિત રહેલ.