સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવાસ યોજનાનો વિરોધ
૩પ વર્ષ જુના વૃક્ષો ઉખેડીને કોક્રીંટનું જંગલ ખડકવા નહી દેવાયઃ આવાસ યોજનાના કવાર્ટરો ભાડે આપી દેવાતા હોઇ ન્યુસન્સ ફેલાય છેઃ કોસમોસ હાઇટ, ફ્રેન્ડસ હાઇટ હાઇરાઇઝડ ઓનર્સ એસો.ની મ્યુ. કમિશનરને રજુઆત

રાજકોટ, તા., ૨૧: અત્રેના ૧પ૦ ફુટ રીંગ રોડ (ર)ના મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે નિર્માણ થઇ રહેલી મ્યુ. કોર્પોરેશનની આવાસ યોજના સામે આસપાસનાં હાઇરાઇઝડ બિલ્ડીંગોના ઓનર્સ એસોસીએશનોએ વિરોધ દર્શાવ્યો છે.
આ અંગે આ તમામ એસોસીએશનનાં હોદેદારોએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે,આવાસ યોજનામાં સરકારશ્રી દ્વારા લાભાર્થીને ફાળવવામાં આવેલ આવાસમાં લાભાર્થીને બદલે મોટાભાગે અન્ય ભાડુઆત જ રહેતા હોય છે. પરીણામે તેમના કારણે સાચા લાભાર્થી બાકી જ રહી જાય છે અને સરકારશ્રીનો મુળ હેતુ ફલીત થતો નથી. આસપાસની સોસાયટીના તમામ રહીશો છેલ્લા ૪ વર્ષથી નિયમીત સરકારશ્રીના તમામ પ્રકારના ટેક્ષ વેરા નિયમીત ચુકવવા છતા આ વિસ્તારમાં રસ્તા, પાણી, ગાર્ડન, સ્ટ્રીટ લાઇટ, સિનીયર સીટીઝન પાર્ક જેવી કોઇ પણ સુવિધા પ્રાપ્ત થતી નથી.
એટલુ જ નહી આવાસ યોજનાવાળા આ પ્લોટમાં હાલમાં અમારી સોસાયટીના સીનીયર સીટીઝન દ્વારા આશરે ૧૦૦ની સંખ્યામાં ત્રણ વર્ષની મહેનત બાદ વૃક્ષોને જતન કરી ઉછેરેલ છે. ઉપરાંત આ પ્લોટમાં હાલમાં એક વડલો અને એક પીળો આશરે ૩પ વર્ષ જુના વૃક્ષો છે જેને જાળવવા પર્યાવરણના જતન માટે અત્યંત જરૂરી છે. ત્યારે આ વૃક્ષનું નિકંદન નજર સમક્ષ જ થતુ જોઇ ભવિષ્યમાં કોણ વૃક્ષ ઉછેરશે અને માવજત કરશે? વરસાદ સિવાયના દિવસોમાં ટેન્કર દ્વારા નિયમીત પાણી અને સોસાયટીના યુવાનોદ્વારા દરેક વૃક્ષોના ખામણા નિયમીત સાફ સફાઇ કરી જરૂરીયાતના સમયે ખાતર દ્વારા પોષણ પુરૂ પાડવાની કામગીરી કરેલ છે.
રજુઆતમાં જણાવાયું છે કે ગરીબ કે નબળા વર્ગના લોકોનો હક કે અધિકાર છીનવવાનો જરા પણ ઉદેશ નથી પરંતુ વર્ષોથી વૃક્ષોને ઉછેરી માવજત કરેલ જગ્યાએ જ આ કોલોની બનાવવા સામે અમારા તમામ લોકોનો સખત વિરોધ છે.
આવેદનના અંતમાં જણાવાયું છે કે આવાસ યોજનાઓમાં અન્યોને ભાડે આપી દેવાના કિસ્સાઓથી અસામાજીક દુષણો ફેલાવાની અને આ અહીંસાવાદી વિસ્તારમાં ન્યુશન્સ વધવાનો ભય છે. ત્યારે આ સ્થળે આવાસ યોજના બનાવવા સામે સ્થાનીકોનો વિરોધ છે.