કુવાડવા જીઆઇડીસી બોમ્બે સુપર સિડ્સ કંપનીમાં મોડી રાત્રે ચડ્ડી-બનીયાનધારી ત્રાટકયાઃ રિવોલ્વર-કાર્ટીસની ચોરી
રાતે એકથી દોઢ વચ્ચે બનાવઃ સીસીટીવી કેમેરામાં ૬ શંકાસ્પદ શખ્સો દેખાતા કુવાડવા પોલીસની તપાસ :ચડ્ડી-બનીયાન પહેર્યા હતાં: શર્ટ મોઢા પર બાંધી દીધા હતાં

રાજકોટ તા. ૨૧: કુવાડવા જીઆઇડીસીમાં આવેલી જાણીતી બોમ્બે સુપર સિડ્સ કંપની નામની ફેકટરીમાં મોડી રાતે તસ્કરો ત્રાટકયા હતાં. ચોરીના ઇરાદે ત્રાટકેલા તસ્કરોને કંઇ દલ્લો ન મળતાં પરવાનાવાળી રિવોલ્વર અને કાર્ટીસ ચોરી ગયા હતાં. આ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા તપાસ શરૂ થઇ છે.
જાણવા મળ્યા મુજબ કુવાડવા જીઆઇડીસીમાં શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બોમ્બે સુપર હાયબ્રીડ સિડ્સ લિ. કંપનીમાં ચોરી થયાની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ વાળાની રાહબરીમાં ક્રિપાલસિંહ ચુડાસમા અને હિતેષભાઇ ગઢવીને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે તપાસ કરતાં તસ્કરો રાત્રીના એકથી દોઢની વચ્ચે ઘુસ્યાનું માલુમ પડ્યું હતું. ફેકટરીની ઓફિસના તાળા તોડી અંદર બધુ વેરવિખેર કરી નાંખ્યું હતું. જો કે રોકડ હાથમાં ન આવતાં પરવાનાવાળી રિવોલ્વર રૂ. ૪૦ હજારની તથા છ જીવતા કાર્ટીસ ચોરી ગયા હતાં. આ અંગે કુવાડવા રહેતાં અરવિંદભાઇ (પીન્ટુભાઇ) જાદવભાઇ કાકડીયાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં છ જેટલા ચડ્ડી-બનીયાનવાળા શખ્સો જોવા મળતાં હોઇ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. શર્ટ મોઢે બાંધી લીધેલા હતાં. ચડ્ડી અને બનીયાન પહેરેલા હતાં. તાજેતરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ પોલીસ મથકથી હદમાં થયેલી રિવોલ્વર-કાર્ટીસની ચોરીનો ભેદ ખોલ્યો હતો. ત્યાં વધુ એક બનાવમાં આવી ચોરી થઇ છે.