રણછોડનગરમાં કારમાં ફુલ સ્પીડથી નીકળેલા ચાર શખ્સોની ધમાલઃ પટેલ બંધુ પર હુમલો
રોનક રૈયાણી અને ત્રણ અજાણ્યાએ ચિંતન લુણાગરીયાને ઢીકા-પાટુ માર્યા, મહેશભાઇને માથામાં પાઇપ ફટકાર્યોઃ છરી કાઢી લોકોને બીવડાવ્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૧: કુવાડવા રોડ પર રણછોડનગરમાં શેરીમાં ફુલ સ્પીડથી કારમાં નીકળેલા ચાર શખ્સો એક બાઇક ચાલક સાથે ઝઘડો કરતાં હોઇ બે પટેલ ભાઇઓ તેને સમજાવવા જતાં તેના પર પાઇપથી હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી ધમાલ મચાવી હતી. લોકો ભેગા થઇ જતાં આએક શખ્સે છરી કાઢી હતી અને બધાને બીવડાવ્યા હતાં. બાદમાં ચારેય ભાગી ગયા હતાં.
બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે રણછોડનગર-૨૪માં રહેતાં ચિંતન પરેશભાઇ લુણાગરીયા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી રોનક રૈયાણી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. રોનકે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ઇમિટેશનનું કારખાનુ ચલાવે છે અને વિદેશ અભ્યાસ માટે જવા તૈયારી કરે છે. ગઇકાલે રોનક રૈયાણી સહિતના ચાર શખ્સો કારમાં વધુ સ્પીડથી નીકળતાં શેરીમાં એક બાઇક ચાલક સાથે માથાકુટ થઇ હતી. આથી પોતે અને કોૈટુંબીક ભાઇ મહેશભાઇ લુણાગરીયા સમજાવવા જતાં ચારેયે ગાળાગાળી કરી પાઇપથી હુમલો કરી મહેશભાઇને માથામાં ઇજા પહોંચાડી હતી અને પોતાને ઢીકા-પાટુ માર્યા હતાં. લોકો ભેગા થઇ જતાં એક શખ્સે છરી કાઢી બીવડાવ્યા હતાં અને બાદમાં ચારેય ભાગી ગયા હતાં. હેડકોન્સ. વી. કે. સોલંકીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.