‘ચાલ આજ તો તને જોઇ જ લવ'...કહી મયલા ચોૈહાણનો વિધવા પર નિર્લજ્જ હુમલો
રમેશભાઇના ઘર પાસે ઉભો-ઉભો ગાળો બોલતો'તોઃ મહિલાએ ‘તારે જેની સાથે ડખ્ખો છે એ ચાંદલી ગ્યા છે, આવે ત્યારે ગાળો બોલજે' તેમ કહેતા ઉશ્કેરાયો

રાજકોટ તા. ૨૧: એંસી ફુટ રોડ પર આંબેડકરનગર વિસ્તારમાં પિતા સાથે રહેતી વિધવા મહિલાએ ઘર નજીક ગાળો બોલી રહેલા શખ્સને સમજાવતાં તેણી પર નિર્લજ્જ હુમલો કરી તેનો ડ્રેસ પકડી લઇ ‘ચાલ આવી જા આજ તો તને જોઇ જ લવ' કહી ગાળો ભાંડતાં થોરાળા પોલીસે આ મહિલાની ફરિયાદ પરથી મયલો જેન્તીભાઇ ચોૈહાણ સામે આઇપીસી ૩૫૪, ૫૦૪ મુજબ ગાળો દઇ નિર્લજ્જ હુમલો કરવા અંગે ગુનો નોંધ્યો છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેણીના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. પરંતુ લગ્નના એકાદ માસમાં જ પતિનું અવસાન થયું હતું. ત્યારથી તેણી ૮૦ ફુટ રોડ પર પિતા સાથે રહે છે. રવિવારે પોતે ઘરે હતી ત્યારે શેરીમાં દેકરો થતાં તે અને તેના માતા-પિતા બહાર જોવા જતાં મયલો ચોૈહાણ રમેશભાઇ પાતરના ઘર પાસે ઉભો-ઉભો હતો અને જેમફાવે તેમ ગાળો બોલતો હતો. જેથી તેને ‘ભાઇ તમે અહિ ગાળો ન બોલો, એ ઘરમાં કોઇ નથી બધા ચાંદલી ગયા છે, એ આવે ત્યારે ગાળો બોલજે' તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણીને ગાળો દઇ તારે જે કરવું હોય એ કરી લે...કહી ગળા પાસે ડ્રેસનો ભાગ પકડી લઇ નિર્લજ્જ હુમલો કરી ‘ચાલ આવી જા આજ તો તને જોઇ જ લવ' કહી ગાળો દેતાં તેણીને પિતા અને માતાએ છોડાવી હતી. એ પછી મહિલા પોતાના ભાઇ સાથે થોરાળા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ફરિયાદ કરી હતી. હેડકોન્સ. જે. એસ. ગોવાણીએ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ કરી હતી.