સાતડા ગામ પાસે વાડીમાં વીજ કરંટ લાગતા શીતલબેન સદાદીયાનું મોત
૭ વર્ષની રવીના સદાદીયાને પણ કરંટ લાગતા સારવારમાં

રાજકોટ,તા. ૨૧: કુવાડવા નજીક આવેલા સાતડા ગામ પાસે વાડીએ વીજ કરંટ લાગતા કોળી યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે સાત વર્ષની બાળકીને પણ કરંટ લાગતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે.
મળતી વિગત મુજબ સાતડા ગામમાં રહેતા શીતલબેન મુકેશભાઇ સદાદીયા (ઉવ.૨૫) ગઇ કાલે ગામ પાસે વાડીએ હતા. ત્યારે ઇલેકટ્રીક મીટર પાસે વીજવાયર અડી જતા કરંટ લાગતા તેને સારવાર માટે કુવાડવાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. શીતલબેન રાજગઢ ગામે માવતર ધરાવતા હતા. તેને સંતાનમાં એક બાળક છે આ બનાવમાં સાત વર્ષની રવીના ધીરૂભાઇ સદાદીયાને પણ વીજ કરંટ લાગતા તેને બેભાન હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલાએ કાર્યવાહી કરી હતી.