મ્યુ. કોર્પોરેશનની લાયબ્રેરી-વાંચનાલય ૧પ દિ' રહેશે બંધ
પુસ્તક, મેગેઝીન, રમકડા તથા ડીવીડીની આપ-લે સેવાઓ ચાલુ રહેશે : ડે. કમિશનર
રાજકોટ, તા.૧૬ : તાજેતરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલા છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોચ્છવાસ દ્વારા ડ્રોપલેસ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં વિશ્વમાં તથા પ્રવર્તી રહેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજયમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર તરફથી પરિપત્ર મારફતે સમયાંતરે મળેલ સૂચનાઓને ધ્યાને લઇ તકેદારીના પગલા રૂપે રાજયની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ તા. ૧૬ માર્ચથી ર૯ માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના બહાર પાડવામાં આવેલ છે.
જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ લાઇબ્રેરીઓ, શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, કેનાલ રોડ, દતોપંત ઠેંગડી પુસ્તકાલય શ્રોફ રોડ, બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી રૈયા રોડ, ડો. બાબાસાહેબ આંબેડકર ભવન લાઇબ્રેરી, જીલ્લા ગાર્ડન તથા મહિલા વાચનાલય, મહિલા એકટીવીટી સેન્ટર, નાનામાવા સર્કલના તમામ જનરલ તથા વિદ્યાર્થી માટેના વાચનાલયો તા. ૧૬ માર્ચથી ર૯ માર્ચ સુધી બધ રહેશે. જયારે આ દિવસો દરમ્યાન તમામ લાઇબ્રેરીઓના પુસ્તક-મેગેઝીન, રમકડા, ડીવીડી ઇશ્યુ રીટર્ન સેવાઓ ચાલુ રહેશે જેની દરેક લાઇબ્રેરીના સભ્યો, વિદ્યાર્થીઓને મ્યુ. કોર્પોરેશનના ડે. કમિશનરની યાદીમાં જણાવાયું છે.