કારોબારીમાં ૧૦.રર કરોડના કામોને બહાલી,શાખા અધિકારીઓ સાથે અધ્યક્ષની 'તડાફડી'
આરોગ્ય, સિંચાઇ, આંગણવાડીના પ્રશ્ને આક્રોશ : એજન્ડા સિવાયની ચર્ચા ન કરવા ડી.ડી.ઓ.નો આગ્રહ

રાજકોટ, તા.૧૬ : જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આજે અધ્યક્ષ કે.પી. પાદરીયાની અધ્યક્ષામાં મળેલ જેમાં ૧૦.રર કરોડના કામોને મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્વે કારોબારી અધ્યક્ષે જુદા-જુદા પ્રશ્નો શાખા અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી. ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસીયાએ એજન્ડા સિવાયની ચર્ચા કરવા સામે વાંધો દર્શાવેલ. તેમણે જરૂરી પડે તો શાખા અધિકારીઓની બેઠકમાં પદાધિકારીઓને હાજર રહેવા દેવાની તૈયારી દર્શાવી હતી. આ મુદ્દે થોડી ચડભડ થઇ હતી. કારોબારી અધ્યક્ષે આરોગ્ય અધિકારી ડો. ભંડેરીને ત્રંબાના આરોગ્ય કેન્દ્રની જગ્યા પરના દબાણ બાબતે આકરા સવાલો પૂછેલ. ડી.ડી.ઓ.એ આ દબાણ તુરંત દૂર કરવા સુચના આપી હતી. ઉપરાંત જસદણની માંડવરાયજી હોસ્પિટલની ચિરંજીવી યોજના બાબતે પણ પ્રશ્ન પુછેલ. જામકંડોરણાના ચિત્રાવાડમાં આજે ર૦૦ થી વધુ દર્દીઓ હોવા છતાં ડોકટર હાજર ન હોવા અંગે સભ્ય ભાવનાબેન ભૂતની ફરીયાદ બાબતે ચંદુભાઇ શીંગાળાએ સવાલ પુછતા ડો. ભંડેરીએ ચાલુ બેઠકમાં જ ફોન કરી માહિતી મેળવી જણાવેલ કે સવારે ૯-૧પ વાગ્યાથી ડોકટર હાજર છે અને ઓ.પી.ડી. ચાલુ છે. આ તકે પાદરીયાએ જણાવેલ કે સભ્યોના વ્યકિતત્વ વાંધા પ્રેરીત ફરીયાદો પર ધ્યાન અપાશે નહીં.
કારોબારી અધ્યક્ષે બાંધકામ ઇજનેર પરમાર તેમજ મહિલા બાળ કલ્યાણ વિભાગના અધિકારી વસ્તલાબેન દવેને તેમના વિભાગની ફરીયાદો અંગે સવાલો પૂછયા હતા. બાલ ભોગનો રપ ટકા જેટલા માલ બારોબાર પગ કરી જતો હોવાના તેમના આક્ષેપ અંગે ડી.ડી.ઓ. જણાવેલ કે આ અંગેની ચોક્કસ વિગતો આપો તો જરૂર તપાસ કરાવશુ. આ પ્રકારના ખુલ્લા નિવેદન યોગ્ય નથી.