વાળંદ રવિ ગોંડલીયા અને પ્રજાપતી વિરાબેન વરીયાએ અઠવાડીયાથી સ્પાની આડમાં કૂટણખાનુ ચાલુ કર્યુ'તું
યુનિવર્સિટી પોલીસને પુષ્કરધામ રોડ પર શાંતિધામ કોમ્પ્લેક્ષના પહેલા માળે ફોરએવર સ્પામાં દરોડોઃ પીએસઆઇ એમ. વી. રબારીની બાતમી પરથી ડમી ગ્રાહકને મોકલી સફળ દરોડોઃ રવિ ગ્રાહક શોધતો, વિરાબેન લલનાની વ્યવસ્થા કરતાં : ઉત્તરપ્રદેશની યુવતિ પાસે લોહીનો વેપલો કરાવી ગ્રાહક દીઠ ૮૦૦ ચુકવાતાઃ ૧૨૦૦ સંચાલકો રાખી લેતાં

રાજકોટ તા. ૧૬: શહેરના પોશ એરિયાઓમાં અને સ્પાના ઓઠા હેઠળ લોહીના વેપલા થતાં હોવાના પર્દાફાશ અગાઉ પણ થઇ ગયા છે. વધુ એક આવું કૂટણખાનુ પકડાયું છે. પોલીસે પુષ્કરધામ રોડ પર એક કોમ્પલેક્ષમાં ચાલતાં સ્પામાં દરોડો પાડી સંચાલક વાળંદ યુવાન અને પ્રજાપતિ મહિલાને સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતાં પકડ્યા છે. સ્પામાં ઉત્તર પ્રદેશની યુવતિ રાખે તની પાસે લોહીનો વેપલો કરાવાતો હતો. વાળંદ યુવાન ગ્રાહકો શોધતો અને છોકરીની વ્યવસ્થા પ્રજાપતિ મહિલા કરતી હતી. અઠવાડીયાથી આવા ગોરખધંધા ચાલુ કર્યાનું બંનેએ રટણ કર્યુ હતું.
યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ. વી. રબારીએ આ બારામાં સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨ કવાર્ટર નં. ૩૮માં રહેતાં રવિ ઉર્ફ કાનો પરષોત્તમભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૦) નામના વાળંદ યુવાન અને પુષ્કરધામ રોડ પરિમલ સોસાયટી-૫માં દિનેશભાઇના મકાનમાં રહેતી વીરાબેન સંજયભાઇ ચંદુભાઇ વરીયા (પ્રજાપતિ) (ઉ.વ.૪૬) નામની મહિલા સામે ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ પુષ્કરધામ રોડ પર શાંતિધામ કોમ્પલેક્ષના પહેલા માળે ફોરએવર સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવવા સબબ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.
પીએસઆઇ રબારી અને સ્ટાફના લોકો પોલીસ મથકે હતાં ત્યારે બાતમી મળી હતી કે પુષ્કરધામ રોડ શાંતિધામ કોમ્પલેક્ષના પહેલા માળે ફોરએવર સ્પામાં રવિ ઉર્ફ કાનો ગોંડલીયા તથા વીરાબેન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવી રહ્યા છે. આ બાતમીને આધારે પંચોને તૈયાર કરી ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે પહોંચી બે રૂમ બંધ હોઇ જેમાં એક રૂમ ખખડાવતાં અંદરથી એક સ્ત્રી અને ડમી ગ્રાહક બહાર આવ્યા હતાં. યુવતિને પુછતાં તેણે પોતે મુળ ઉત્તર પ્રદેશની વતની હોવાનું અને પોતાને રવિ તથા વીરાબેન લાવ્યાનું કહ્યું હતું. તેમજ સ્પામાં કામે રાખી બહારથી ગ્રાહકો બોલાવી પોતાની પાસે વેશ્યાવૃતિ કરાવવામાં આવતી હોવાનું અને ગ્રાહકો પાસેથી ૨૦૦૦ લઇ પોતાને રૂ. ૮૦૦ અપાતા હોવાનું પણ તેણીએ કહ્યું હતું.
એ પછી ત્યાં હાજર યુવાન અને મહિલાની પોલીસે પુછતાછ કરતાં યુવાને પોતે રવિ ઉર્ફ કાનો ગોંડલીયા અને મહિલાએ પોતે વિરાબેન વરીયા હોવાનું અને પોતે બંને આ સ્પાના સંચાલક હોવાનું કહ્યું હતું. પોલીસે ડમી ગ્રાહકે ચુકવેલી ૨૦૦૦ની નોટ રવિ પાસેથી કબ્જે કરી હતી. તેમજ એક મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. મહિલા વિરાબેન પાસેથી ફોન અને રોકડા ૧૦૦૦ કબ્જે કરાયા હતાં. કુલ ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત થયો હતો.
રવિ વાળંદ અગાઉ બાલદાઢીનું કામ કરતો હતો. પણ તેમાં પૈસા વધુ ન મળતાં માલદાર થવા પરિચીત એવા વિરાબેન પ્રજાપતિ સાથે મળી સ્પા ચાલુ કર્યુ હતું અને તેમાં કૂટણખાનુ ધમધમાવતાં હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરી હેઠળ પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર અને દૂર્ગાશકિત ટીમના ઉર્મિલાબેન, શિલ્પાબેન સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો. આગળની તપાસ પીએસઆઇ પી.એ. ગોહેલે હાથ ધરી છે.