વોકહાર્ટ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફીના બીલમાં છેતરપીંડી થયાની લેખિત ફરિયાદ
કણકોટના ભારતીબેન ઓઝાને શની-રવિની રાતે દાખલ કરાયાઃ કાઉન્ટર પર એન્જિયોગ્રાફીના ૮૦૦૦ કહેવાયા, સાંજે બીલ ભરતી વખતે ૧૪૬૫૦ મંગાયાનો આક્ષેપ
રાજકોટ તા. ૧૬: કણકોટ રોડ ગુ.હા. બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૧૦માં રહેતાં ભારતીબેન હિતેષભાઇ ઓઝા (ઉ.૬૧) નામના વૃધ્ધાના નામથી ગાંધીગ્રામ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ થઇ છે. જેમાં વોકહાર્ટ હોસ્પિટલ ખાતે એન્જિયોગ્રાફીના બીલમાં છેતરપીંડી થયાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરજીમાં જણાવાયું છે કે શનિવારે રાતે બાર-સાડાબારેક વાગ્યે મને છાતીમાં દુઃખાવો થતાં ઇમર્જન્સી સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વધુ સારવાર માટે ડો. કપિલ વિરપરીયાએ એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપી હતી. રિસેપ્શન પર આ બાબતે પુછતાં એન્જિયોગ્રાફીનો ચાર્જ રૂ. ૮૦૦૦ કહેવાયો હતો.
તબિયત નાજુક હોઇ સાંજે બીજી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા જવું હોઇ બીલ માટે રિસેપ્શન પર પુત્ર નિલ ઓઝા અને સગા જતાં ત્યાં રૂ. ૧૪૬૫૦ બીલ ચુકવવા જણાવાયું હતું. આમ નાણાકીય છેતરપીંડી થઇ હતી.
નિલ ઓઝાએ ટેલિફોનીક વાતચીતમાં કહ્યું હતું કે ઇમર્જન્સી ચાર્જ રાત્રે જ આપી દેવાયો હતો. છતાં અમારી પાસેથી વધુ રકમ મંગાઇ હતી અને એવું કહેવાયું હતું કે જનરલ વોર્ડ હોય તો ૮૦૦૦ થાય અને એનાથી ઉપરના વોર્ડમાં હોય તો ચાર્જ વધી જાય. અમે જ્યારે પહેલી વખત પુછવા ગયા ત્યારે માત્ર ૮૦૦૦ ફી કહેવાઇ હતી. એ સિવાયના કોઇ ખુલાસા કરવામાં આવ્યા નહોતાં. છેલ્લે બીલ ભરતી વખતે અમારી પાસે વધુ રકમ માંગી છેતરપીંડી કરવામાં આવી હોઇ અમે ગાંધીગ્રામ પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે.