મામાની દિકરી સાથે લવમેરેજ કરનારને સમજાવવા જતાં ધોકા-પાઇપના ઘાઃ માથામાં ત્રણ જીણા ફ્રેક્ચર
રણુજા મંદિર પાસે રહેતા ઘનશ્યામ જળુની ફરિયાદ પરથી મેહુલ, મયુર અને દાનાભાઇ કુવાડીયા વિરૂધ્ધ ફરિયાદઃ મેહુલ ત્રણ મહિના પહેલા ઘનશ્યામના કૌટુંબીક મામાની દિકરી સાથે કરેલા લવમેરેજનો ડખ્ખો
રાજકોટ તા. ૧૬: રણુજા મંદિર પાસે રહેતાં આહિર યુવાનના કોૈટુંબીક મામાની દિકરીએ રાજકોટ જુના ગણેશનગરના આહિર યુવાન સાથે લવમેરેજ કર્યા હોઇ તેણીને પરત લઇ જવા મામલે મામાના કહેવાથી પોતે તથા બીજા સગા ગણેશનગરમાં સમજાવવા જતાં તેના પર હુમલો થયો હતો. પાઇપ-ધોકાના ઘાથી માથામાં ત્રણ જીણા ફ્રેકચર થઇ ગયાનો રિપોર્ટ આવ્યો છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટી-૨માં રહેતાં અને મેટાડોરનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ઘનશ્યામ અમરાભાઇ જળુ (આહિર) (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી જુના ગણેશનગરના મેહુલ દાનાભાઇ કુવાડીયા, મયુર દાનાભાઇ કુવાડીયા તથા દાનાભાઇ કુવાડીયા સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
ઘનશ્યામના કહેવા મુજબ કુંકાવાવ રહેતાં રમેશભાઇ હુંબલ કે જે મારા કુટુંબી મામા થાય છે તેની દિકરી શિતલે રાજકોટ જુના ગણેશનગરમાં રહેતાં મેહુલ કુવાડીયા સાથે ત્રણ મહિના પહેલા લવમેરેજ કર્યા છે. મારા મામા અને મેહુલના પિતા દાનાભાઇ સાથે સમાધાનની વાત ચાલતી હતી. રવિવારે મારા મામા રમેશભાઇ તથા તેના પત્નિ અને બી જી બહેનોએ શિતલને તેડી જવા માટે ફોન કરતાં હું તથા ભોલાભાઇ ધ્રાંગા સહિતના સમાધાન માટે જુના ગણેશનગરમાં ગયા હતાં.
આ વખતે મેહુલ, મયુર અને તેના પિતા દાનાભાઇ જેમ-તેમ બોલવા માંડ્યા હતાં. દાનાભાઇએ મને પકડી રાખ્યો હતો અને મયુરે ધોકાથી હુમલો કરી અને મેહુલે પાઇપથી હુમલો કરી માર મારતાં હું પડી ગયો હતો. દેકારો થતાં લોકોએ ભેગા થઇ મને છોડાવ્યો હતો. એ પછી રવિ લાવડીયા મને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. હુમલાને કારણે મને માથામાં બે ત્રણ જીણા ફ્રેકચર થઇ ગયાનો તબિબે રિપોર્ટ આપ્યો હતો. મારી સાથેના નિર્મળ ઉર્ફ ભોલાને પણ ઇજા થઇ હતી.
આજીડેમ પીએસઆઇ આર. વી. કડછાએ ઉપરોકત વિગતો મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૧૦)