પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીનો ટ્રેન હેઠળ કપાઇ આપઘાત
મહિલા કોલેજ અન્ડર બ્રિજથી આમ્રપાલી ફાટક તરફ જવાના રસ્તે બનાવઃ સવારે વોકિંગમાં નીકળ્યા બાદ બનાવઃ પરિવારમાં અરેરાટી : રવિરત્ન પાર્ક કુબેર રેસિડેન્સીમાં રહેતાં અતુલભાઇ મનસુખભાઇ ગઢીયા (લોહાણા) (ઉ.વ.૫૦) સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતાં હતાં : પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જ એક કર્મચારીએ અરજી કરતાં મૃતક સામે અપ્રમાણસર મિલ્કત સંબંધે બે મહિનાથી ઇન્કવાયરી ચાલતી હતીઃ બે મહિનાથી રજા પર હતાં

જ્યાં ઘટના બની એ સ્થળ, મૃતકના બૂટ, ઘટના સ્થળે રેલ્વે પોલીસ અધિકારી અને ગાંધીગ્રામના એએસઆઇ જયસુખભાઇ વી. હુંબલ માહિતી મેળવતા નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૬: શહેરના મહિલા કોલેજ અન્ડર બ્રિજના ઉપરના ભાગે રાજકોટમાં રહેતાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સુરેન્દ્રનગરના અધિકારી સવારે ટ્રેન હેઠળ કપાઇ જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃત્યુ પામનાર વિરૂધ્ધ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસરની મિલ્કત સંબંધેની ઇન્કવાયરી ચાલતી હોઇ તેઓ બે મહિનાથી રજા પર હતાં. સવારે વોકીંગ કરવા નીકળ્યા બાદ આ બનાવ બન્યાનું જાણવા મળ્યું છે. ઇન્કવાયરીને કારણે આત્મહત્યા કરી કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ સવારે મહિલા કોલેજ અન્ડર બ્રિજની ઉપરના ભાગે આમ્રપાલી ફાટક તરફ જવાના રસ્તે મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટની પાછળના ભાગે એક વ્યકિત ટ્રેનની ઠોકરે કપાઇ ગયાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ જયસુખભાઇ હુંબલ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી હતી.
મૃતકના ખિસ્સામાંથી નામ-સરનામા-મોબાઇલ નંબર સાથેની એક ચબરખી મળતાં તેના આધારે તપાસ થતાં મૃત્યુ પામનાર કાલાવડ રોડ પર રવિરત્ન પાર્ક કુબેર રેસિડેન્સી બી-૨૦૧માં રહેતાં અતુલભાઇ મનસુખભાઇ ગઢીયા (લોહાણા) (ઉ.વ.૫૦) હોવાનું ખુલ્યું હતું. તેમના પુત્ર સહિતના સ્વજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને કલ્પાંત સર્જાયો હતો.
અતુલભાઇ ગઢીયા સવારે વોકીંગ માટે નીકળ્યા હતાં. એ પછી આ બનાવ બન્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર ઇટાલી ખાતે અભ્યાસ કરે છે અને થોડા દિવસ પહેલા જ ત્યાંથી પરત રાજકોટ આવ્યા છે. મૃત્યુ પામનાર રિજીયોનલ ઓફિસર એ. એમ. ગઢીવા વિરૂધ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલ્કત અંગેની ઇન્કવાયરી ચાલતી હોવાથી તેઓ બે મહિનાથી રજા પર હતાં. આ અરજી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જ એક કર્મચારીએ કરી હતી. જેથી બોર્ડની મંજુરી બાદ ઇન્કવાયરી ચાલી રહી હતી. કદાચ આ કારણોસર આત્મઘાતી પગલુ ભર્યાની શકયતા છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.
બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસે ઘટના સ્થળે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.