૫ મે એ સાંજથી ઇલે. મીડિયા-સોશિયલ મીડિયા પર ચૂંટણી સંબંધિત જાહેરખબર નહીં દર્શાવી શકાય

રાજકોટ:રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે ૭મી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદાન પૂર્વે ૪૮ કલાકનો સમય 'સાઇલન્સ પિરિયડ' તરીકે અમલમાં આવે છે. જેનો આજે ૫મી મેના રોજ સાંજે ૬ વાગ્યાથી અમલ શરૂ થશે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૨૬-૧(બી) તેમજ અન્ય માર્ગદર્શિકા મુજબ, ઈલેક્ટ્રોનિક્સ મીડિયા પર ચૂંટણીલક્ષી જાહેરાતો કે ચૂંટણી સંબંધિત મેટર દર્શાવી શકાશે નહીં. સોશિયલ મીડિયાનો પણ ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં સમાવેશ થાય છે અને તેના પર જાહેરખબર દર્શાવવા બદલ ૧૨૬-૧(બી) મુજબ એફ.આઈ.આર. થઈ શકે છે. જ્યારે પ્રિન્ટ મીડિયામાં એમ.સી.એમ.સી. (મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટિ)ની પૂર્વ મંજૂરી પછી જ જાહેરખબર પ્રકાશિત કરી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૬ લોકસભા, વિધાનસભા કે કોઈપણ પેટાચૂંટણી પૂર્વે અમલમાં આવે છે. આ ગાળામાં કોઈ પક્ષ કે ઉમેદવાર જાહેરસભા ન કરી શકે, અણિના સમયે મતદારને પ્રભાવિત ન કરી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. કલમ ૧૨૬ મુજબ મતદાન પૂરૂ થવાના ૪૮ કલાક પૂર્વ ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર બંધ કરી દેવાનો રહે છે. જે દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો રેલી, રોડ શો કે ચૂંટણી સભાઓ કરી શકે નહીં