રાજકોટ
News of Sunday, 5th May 2024

પારડીમાં જેમીની પટેલનો કૂવામાં કૂદી આપઘાત

ફેસબૂક મારફત પરિચય અને પ્રેમ થયા બાદ લગ્ન કર્યા હતાં : મુળ વલસાડની વતની હતીઃ પતિ શાપરમાં મજૂરી કરે છેઃ કારણ જાણવા શાપર પોલીસની તપાસ

રાજકોટ તા. ૪: શાપરના પારડી ગામે રહેતી પરિણીતાએ કૂવામાં કૂદી મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.  મુળ વલસાડની આ પરિણીતાને છ વર્ષ પહેલા ફેસબૂક મારફત યુવાન પરિચય થતાં અને બાદમાં પ્રેમ થઇ જતાં તેણીએ લવમેરેજ કર્યા હતાં.

જાણવા મળ્યા મુજબ પારડીમાં આવેલી રમશેભાઇની વાડીના કૂવામાં એક યુવતિ પડી ગયાની જાણ થતાં રાજકોટથી ફાયર ફાઇટરોની ટીમ પહોંચી હતી. તરવૈયાઓએ કૂવામાં કુદી મીંદડી, દોરડાની મદદથી મૃતદેહ શોધી બહાર કાઢી પોલીસને જાણ કરતાં શાપરના એએસઆઇ મુકેશભાઇ ચોૈહાણ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનારનું નામ જેમીની વિરાજ પટેલ (ઉ.વ.૨૮) હતું. તે મુળ વલસાડની વતની હતી. છએક વર્ષ પહેલા ફેસબૂક મારફત તેને વિરાજ પટેલ સાથે પરિચય અને પ્રેમ થયા બાદ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં. તેનો પતિ વિરાજ શાપરમાં શિવ હોટેલ પાછળ વરૂણ કાસ્ટીંગમાં નોકરી કરે છે. જેમીનીએ કયા કારણે આ પગલુ ભર્યુ? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. તેણીના માવતર આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(1:19 pm IST)