અશોક ડાંગરનાં ફરી કેસરિયાઃ કોંગ્રેસને સાવ મૃતપાય કરી દેવાની નેમ
શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મેયર અસંખ્ય કોંગી કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા : આવતા દિવસોમાં રાજકોટ કોંગ્રેસમાં જે બાકી રહી ગયા છે એ લોકોને ધળમુળમાંથી ઉખેડી નાખીશ, કોંગ્રેસમાં આજની સ્થિતી એવી છે કે મારો ઇ સારો, સારો ઇ મારો નહિઃ ગાંધીજી વિરૂધ્ધ વાણી વિલાસ કરનારને પક્ષમાંથી કાઢી શકતી નથી

રાજકોટ : શહેર કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. દિગ્ગજ નેતા અશોક ડાંગરે આજે કેસરીયો ધારણ કર્યો છે. તેઓ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. પત્રકાર પરીષદમાં કોંગ્રેસ વિરૂધ્ધ આકરા પ્રહારો કર્યા હતા.
અશોક ડાંગરે પત્રકાર પરિષદમાં સટાસટી બોલાવતા કહ્યુ કે આવતા દિવસોમાં રાજકોટ કોંગ્રેસમાં જે કોઇ બાકી રહી ગયા છે એ કાંગરાને હું ધળમુળથી ઉખેડી નાખીશ. મૃતપાય થયેલી કોંગ્રેસને સાવ મૃતપાય કરી દેવાની છે.ભાજપના સાથીઓએ એક મિત્ર તરીકે મને આવકાર આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જાહેર સભામાં એક વિવાદાસ્પદ નિવેદન મામલે અશોક ડાંગરે કહ્યું કે ગાંધીજીએ દેશને આઝાદી અપાવી હતી. તેઓએ કોંગ્રેસની સ્થાપના કરી હતી. એ ગાંધીજીની અવહેલના કરે એ દિગ્ગજ નેતા સ્ટાર પ્રચારકો ગાંધીજી વિરૂધ્ધ વાણી વિલાસ કરે છતાં કોંગ્રેસ કંઇ કરી શકતી નથી કે કાઢી શકતી નથી, કારણે કે કોંગ્રેસની આજની પરિસ્થિતી એવી છે કે ‘મારો ઇ સારો, સારો ઇ સારો નહિ' પ્રદેશ કોંગ્રેસમાં આવી પરિસ્થિતી હોય મે કેસરીયો ધારણ કર્યો છે.
અશોક ડાંગરે વધુમાં કહ્યુ કે કોંગ્રેસમાં જુથવાદ છે કોંગ્રેસ હવે કાયમ તુટવાની જ છે. કારણે કે જે લોકોના હાથમાં પ્રદેશનું શાસન છે. ‘મારો ઇ સારો, સારો ઇ મારો નહિ' એ પરિસ્થિતી જ્યાં સુધી રહેશે. ત્યાં સુધી કોંગ્રેસ તુટતી રહેવાની છે અને તુટતી રહેશે. મારે કોઇ વ્યકિતગત વ્યકિત સાથે કોઇ વાંધો નથી પરંતુ જ્યાં સિધ્ધાંતની વાત આવે છે.ત્યારે ઉપલા લેવલે રજુઆતો કરીએ રજુઆતોનો જો પ્રતિસાદ ન મળે તો ઉપરથી નીચે ગમે તેની સાથે લડો તો તકલીફ થાય. સિધ્ધાંતોને બાંધછોડ કરવામાં હું કયારેય માનતો નથી.
દરમિયાન આજે અશોક ડાંગરે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભા રૂપાલાના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. તેઓની સાથે તેમના ટેકેદારો પણ ભાજપમાં જોડાયા હતા.
તસ્વીરમાં અશોક ડાંગરને ખેસ પહેરાવી ભાજપમાં આવકારતા પરસોતમભાઇ રૂપાલા, બીજી તસ્વીરોમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)