'જાગો લેઉવા પટેલ જાગો' પત્રિકા મામલે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી તરફ અંગુલી નિર્દેશ: પકડાયેલા કોંગી કાર્યકરોએ નામ આપ્યું

રાજકોટ તા.૫
લોકસભાની ચૂંટણીનું મંગળવારે મતદાન છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે જો કે રાજકોટમાં જાગો લેઉવા પટેલ જાગો મથાળા હેઠળ ફરતી થયેલી પત્રિકાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. આ મામલે ગુનો નોંધી પોલીસે વોર્ડ ન.૧૧ના કોંગી આગેવાન, કાર્યકર સહિતની ધરપકડ કરી હતી. દરમિયાન પત્રિકા મામલે કોંગી ઉમેદવારના ભાઈ શરદ ધાનાણીનું નામ સપાટી પર આવ્યાનું પોલીસ સૂત્રો કહે છે .
ચૂંટણીનો જંગના પ્રચાર દરમિયાન મવડીની રાજદીપ સોસાયટીમાં પત્રિકા વિતરણ થયું હતું. લેઉવા પટેલને સંબોધીને ફરતી કરાયેલી પત્રિકાના મામલામાં પોલીસે પાંચ શખ્સની ધરપકડ કર્યા બાદ તપાસ કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીના ભાઈ તરફ ફંટાઈ હોવાના નિર્દેશો મળી રહ્યા છે.
રાજકોટ લોકસભા બેઠકમાં મતદારોની જ્ઞાતિ મુજબની સંખ્યામાં લેઉવા પટેલ મતદારો સૌથી વધુ છે અને આ બેઠક પર ભાજપમાંથી કડવા પટેલ તથા કોંગ્રેસમાંથી લેઉવા પટેલ જ્ઞાતિના ઉમેદવાર છે ત્યારે ગુરૂવારે રાત્રે એક પત્રિકા ફરતી થઈ હતી. જેમાં જાગો લેઉવા પટેલ જાગો તેવું લખાયું હતું અને તેમાં લેઉવા પટેલને અન્યાય થઈ રહ્યાની વાતો કરવામાં આવી હતી. આ પત્રિકા ફરતી થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે ગણતરીની કલાકોમાં જ લેઉવા પટેલ સમાજના કેતન તાળા, પ્રકાશ વેજાપરા, વિપુલ તારપરા, દીપ ભંડેરી અને ચિરાગ ઢોલરિયાની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે તપાસ આગળ ધપાવી છે અને આવી પત્રિકા બનાવીને તેને ફેલાવવામાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીની ભૂમિકા હોવાની પ્રાથમિક વિગતો સામે આવતાં પોલીસે તે દિશામાં તપાસ આગળ ધપાવી છે. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાએ પણ આ બાબતે પુષ્ટિ કરી હતી. જો કે હાલ કોઈ અટકાયતની કાર્યવાહી થઈ નથી.