રાજકોટ લોકસભા : કાલે સાંજે જાહેર પ્રચાર - પડઘમ બંધ
બહારના જિલ્લા - રાજ્યમાંથી આવેલા રાજકીય નેતાઓ - કાર્યકરોને કાલે સાંજ સુધીમાં રાજકોટ શહેર-જિલ્લો છોડી દેવા આદેશો : હાઉસ ટુ હાઉસ પ્રચાર થઇ શકશે : તંત્ર સાબદુ : છેલ્લી ઘડીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા કલેકટરના આદેશોઃ પોલીસ તંત્ર કાલ સાંજથી તમામ હોટલોનું ચેકીંગ કરશેઃ હાઇવે ઉપર રાઉન્ડ ધ કલોક વાહનોનું ચેકીંગ : કુલ ૨૦૩૬ મતદાન મથકો તથા ૨૧ લાખથી વધુ મતદારો

રાજકોટ તા. ૪ : રાજકોટ લોકસભા બેઠકની મંગળવારે ૭ તારીખે ચૂંટણી યોજાશે. સવારે ૭થી સાંજે ૬ સુધી મતદાન થશે, હિટવેવની આગાહી હોય મતદાન ઉપર અસર થવાનો ભય હોય, તંત્ર બપોરે ૧૨ વાગ્યા પહેલા મતદાન કરાવી લેવા કમરકસી રહ્યું છે, જસદણ - વાંકાનેર - ટંકારા સહિત કુલ ૭ વિધાનસભા બેઠક રાજકોટ સંસદિય મતવિસ્તારમાં આવે છે, અને તેમાં કુલ ૨૧ લાખ ૧૨ હજારથી વધુ મતદારો મતદાન કરશે, કુલ ૨૦૩૬ મતદાન મથકો નોંધાયેલા છે.
દરમિયાન રાજકોટ કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, કાલે સાંજે ૬ વાગ્યાથી જાહેર પ્રચાર - પડઘમ બંધ થઇ જશે, કોઇ રેલી - સભા નહિ યોજી શકાય, માત્ર હાઉસ ટુ હાઉસ પ્રચાર થઇ શકશે, તંત્ર સાબદૂ બની ગયું છે, કલેકટરે તમામ પ્રાંત - મામલતદારોને પોતાના વિસ્તારોમાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવા આદેશો કર્યા છે, પોલીસ તંત્ર કાલ સાંજથી તમામ હોટલો - રેસ્ટોરન્ટોનું ખાસ ચેકીંગ કરશે, શહેરમાં અને હાઇવે ઉપર વાહનોનું રાઉન્ડ ધ કલોક ચેકીંગ ચાલુ કરાયું છે.
બહારના જીલ્લા - રાજ્યમાંથી આવેલા રાજકીય નેતાઓ - કાર્યકરોને કાલે સાંજે ૬ સુધીમાં રાજકોટ શહેર - જિલ્લો છોડી દેવા આદેશો કરાયા છે. કલેકટર અને તેમની ટીમ દ્વારા પળેપળની વિગતો લેવાઇ રહી છે, શહેર-જિલ્લામાં અર્ધલશ્કરી દળોની ફલેગ માર્ચ ચાલુ કરી દેવાઇ છે, હજારો શખ્સોને રાઉન્ડ અપ કરી લેવાયા છે.