વિવિધ વિભાગ
News of Tuesday, 12th September 2023

ભોળાનાથમાં રૂદ્રતા અને સૌમ્‍યતા બન્‍નેનો સમન્‍વય

શ્રાવણ સત્‍સંગ

જે ભકતજન પરમકૃપાળુ સદાશિવ અને તેમની શકિતનું ભાવપૂર્વક પૂજન,  ઉપાસના કરે છે. તેની પર ભોળનાથની કૃપા દ્રષ્‍ટિ સદાય રહે  છે. અને અંતે તે મોક્ષ પ્રાપ્‍ત કરે છે.

મહાકાલના ગળામાં સર્પનો હાર શરિરે ભસ્‍મ લેપ, માત્ર ચર્મનું નાનકડુ વષા, હાથમાં ડમરૂ, ત્રિશુલ, અને એમનો નિલકંઠ વર્ણ, અને ભયંકર સ્‍વરૂપવાળા વૈદિક દેવ રૂદ્ર પુરાણ કાળમાં શાંત અને સૌમ્‍ય બન્‍યા.

રૂદ્રરૂપે ભોળાનાથે ભયંકર તાંડવ નૃત્‍ય કરીને દુરાચાર અને રાક્ષસોનો સંહાર કર્યો આવા શિવાજીનું નિર્ગુણ બ્રહ્મસ્‍વરૂપ પણ છે એમનામાં રૂદ્રતા અને સૌમ્‍યતા બંનેનો સમન્‍વય થયો છે.

આવા ભોળાનાથની ભાવભરી ભકિતથી એવું ફળ પ્રાપ્‍ત થાય છે. કે જે અન્‍યમાં પ્રાપ્‍ત થઇ શકે નહી.

આવા દેવાધિદેવ મહાદેવ પૃથ્‍વી પર શિવલીંગના રૂપમાં ગીરનારની તળેટીમાં બિરાજમાન થયા છે.

ભકતજનોના ભવોભવના દુઃખોના નાશ કરતાં હોવાથી ગીરનાર તળેટીમાં બિરાજમાન થયેલા મહાદેવ ગીરનાર તળેટીમાં દામોદર કુંડ નજીક બિરાજમાન છે. ભવનાથ મંદિરમાં મહાદેવજી સ્‍વયંભુ હોવાનું માનવામાં આવે છે.

અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ દામોદર કૂંડમાં સ્‍નાન કર્યા પછી ભવનાથ મહાદેવના દર્શન કરે છે. અહી ભકતજનો આ મંગલકારી સ્‍વયંભુ શિવલીંગ પર ગંગાજળ, દૂધ અને પંચામૃતનો અભિષેક કરે છે.

દર્શનાર્થી ભકતો પુરી શ્રદ્ધા અને ભાવના સાથે ભવનાથ મહાદેવના દર્શન કરે છે અને ધન્‍યતા અનુભવે છે.

ભવનાથ મહાદેવના સાનિધ્‍યમાં ભજન, ભોજન, તેમજ ભકિતનો અનેરો મહિમા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં જોવા મળે છે.

હર..હર...મહાદેવ, બમ....બમ ભોલે જેવા સુત્રોચારથી અહીનું વાતાવરણ ભારે ભકિતમય બની જાય છે. ભવનાથ મંદિર નજીક મૃગીકુંડ છે. મૃગીકુંડ સાથે રાજા ભોજ અને તેની રાણી હરણીની કથા જોડાયેલી છે.

દીપક એન. ભટ્ટ

(11:13 am IST)