શ્રીમતી મણીબેન ત્રિભોવનદાસ પટેલ ગ્રામ પંચાયત કચેરી મોખાસણ નૂતન મકાનનું લોકાર્પણ કરાયું : અમેરિકાના શ્રી અરવિંદભાઈ ( રાજભોગ ) ,તથા શ્રી બળદેવભાઈ પટેલના માતબર દાનથી કરાયેલા નૂતન મકાનના લોકાર્પણ પ્રસંગે પૂજ્ય ભગવતપ્રિયદાસજી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

મોખાસણ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રીમતી મણીબેન ત્રિભોવનદાસ પટેલ ગ્રામ પંચાયત કચેરી,મોખાસણનું શ્રી અરવિંદભાઈ ( રાજભોગ અમેરિકા ) શ્રી બળવંતભાઈ પટેલ ( અમેરિકા ) ના 40 લાખ રૂપિયાના માતબર દાનથી બનાવેલ નૂતન મકાનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત સદગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સદગુરુ ભગવતપ્રિયદાસજી એ જણાવ્યું હતું કે સર્વોપરી શ્રી સ્વામિનારાય ભગવાને વચનામૃતમાં જણાવ્યું છે તેમ સેવાથી ,ધર્મથી ,અને સમાજસેવાથી ગ્રામોત્થાન થાય છે.અને ત્યારપછીથી રાષ્ટ્રનું ઉત્થાન થાય છે.સમાજમાં નાતજાતના ભેદભાવ રાખ્યા નથી.જગતની ચારે વર્ણ માટે ઉમદા કાર્યો કર્યા છે.જેમ અહંકાર અને લોભ એ ખતરનાક વાઇરસ છે જેને નાથવાની ફોર્મ્યુલા સત્સંગ છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ગટર ,રોડ ,પાણી ,વાડી ,તળાવ ,સ્મશાન ,વ્યસનમુક્તિ કેન્દ્ર તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ ગ્રામોત્થાન માટે યોજ્યા છે.આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાત કચેરીના નૂતન મકાન બનાવવાના કાર્યમાં દાનનો સહયોગ શ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રી બળવંતભાઈ પટેલએ આપ્યો છે.તેઓ પોતાના વતન પ્રેમને ભૂલ્યા નથી.અને સમાજના વિકાસના કાર્યમાં સહભાગી થયા છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓએ પણ વિકાસના કાર્યોમાં સહયોગ આપ્યો છે.સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ સૌની ઉપર ઉતરે અને સૌના સાથ સૌના વિકાસ તેમજ સૌના વિશ્વાસથી પ્રગતિ સાધી શકીએ.
નાયબ મુખ્યમંત્રી દ્વારા ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.