અમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા બે એરિયા દ્વારા હોળી ઉત્સવ ઉજવાયો : વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પૂજન કરાયું : ફિલ્મી ગીતોની ધૂન સાથે રંગોની રમઝટથી ખેલૈયાઓ ખુશખુશાલ

ભાવિક મોદી દ્વારા ,ટેમ્પા : યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા બે એરિયા દ્વારા ચાલુ માસની 8 તારીખે રવિવારના રોજ ફ્લોરિડા સ્ટેટ ફેર ગ્રાઉન્ડ ખાતે રંગેચંગે હોળી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.ઠંડા વાતાવરણ અને કોરોના વાઇરસના ભયને કારણે સભ્યોની પાંખી હાજરીમાં પણ મન મૂકીને સૌ હોળી રમ્યા હતા.
સવારના 11 વાગ્યે સૌપ્રથમ સભ્ય નોંધણી બાદ અલ્પાહારમાં સહુએ ભેળ પૂરીનો આનંદ માણ્યો હતો.સાડા બાર વાગ્યે પૂજારી રાજનભાઈ ભટ્ટે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળીની વિશેષ પૂજા કરાવી હતી.ત્યારબાદ રાજનભાઈએ શંખનાદ કરતા સંસ્થાના પ્રમુખ કેવલભાઈ બ્રહ્મભટ્ટ અને અન્ય કમિટી સભ્યોએ હોળી પ્રગટાવી હતી.તથા હોળીની પ્રદક્ષિણા કરી હોળીમાં તમામના દુઃખ દર્દ હોમાઈ જાય અને ધુળેટીના રંગો સૌનું જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે તેવી કામના કરી હતી.હોળી દહન બાદ ડી.જે.ના તાલે બલમ પિચકારી ,રંગ બરસે જેવી ફિલ્મી ધૂનોની રમઝટ વચ્ચે મન મૂકીને સહુ હોળી રમ્યા હતા.બાળકો માટે બાઉન્સી હાઉસ તથા સ્લાઇડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.જેથી બાળકોને મજા પડી ગઈ હતી.સમાજ દ્વારા સભ્યોને સૌના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને ઓઇલવાળા અને પાક કલર સાથે નહીં લાવવાની કડક સૂચના આપવામાં આવી હતી.સમાજ દ્વારા ખાસ ઓર્ગેનિક કલર અને પિચકારી નજીવા દરે આપવામાં આવ્યા હતા.અંતમાં સહુએ છોલે પુરી ,ગાજરનો હલવો ,રાઈસ ,સહીત સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો હતો.બાળકો માટે પાસ્તાની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.
હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસની અસરથી અમેરિકા અને ફ્લોરિડા ટેમ્પા બે એરિયા પણ બાકાત રહ્યો નથી.ટેમ્પા બે એરિયામાં પણ કોરોના વાયરસે દેખા દેતા તકેદારીના ભાગ રૂપે ગુજરાતી સમાજ દ્વારા તમામ સ્વયંસેવકોને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર આપવામાં આવ્યા હતા.