કોરોના કાળની આડઅસર
સોશ્યલ મીડીયાના વધારે ઉપયોગથી અનિન્દ્રા અને ડીપ્રેશનની સમસ્યાનો વધારો
યુવા પેઢીની વિચારશીલતા પર સોશ્યલ મીડીયાની અસર

કોલકતા,તા. ૨૧: કોવિડ-૧૯ મહામારી દરમ્યાન વધેલી બેરોજગારી અને રોજી રોટીના સંકટ વચ્ચે સોશ્યલ મીડીયા પરની સક્રિયતા હવે લોકોના માનસિક આરોગ્યને નુકસાન પહોંચાડી રહી છે. સોશ્યલ મીડીયા પર કેટલાય કલાકો વિતાવવાથી ખુશહાલ યુવાઓ ઉદાસી, એકલતા, ચિડીયાપણું, અલગાવ, સ્થુળતા, અનિંદ્રા અને ડીપ્રેશન ગર્તામાં ધકેલાઇ રહ્યા છે.
એક અભ્યાસ અનુસાર, ૩૩ ટકાથી વધારે કિશોર -કિશોરીઓ સાઇબર બુલીંગનો શિકાર બની રહ્યા છે. માર્કેટ રિસર્ચ ફર્મ નીલ્સનના અભ્યાસ અનુસાર ભારતમાં ઇન્ટરનેટ પર સક્રિયતા ઝડપથી વધી છે. જાન્યુઆરીમાં તેના પર ૦.૪ મીલીયન લોકો વધ્યા હતા. ફેબ્રુઆરીમાં ૧.૬ મીલીયન અને ૨૪ માર્ચ સુધીમાં ૨૦.૩ મીલીયન વધી ગયા હતા. સોશ્યલ નેટવર્ક પેનીટ્રેશન ઇન્ડીયા અનુસાર અત્યારે દેશમાં લગભગ ૪૬૨ મીલીયન લોકો ઇન્ટરનેટ વાપરે છે. તેમાંથી ૨૫૦ મીલીયન લોકો સોશ્યલ મીડીયા પર સક્રિય રહે છે.
મનોચિકિત્સક ડોકટર પલ્લવ મુખોપાધ્યાયનું કહેવું છે કે સોશ્યલ મીડીયા પર આપણે જે જોઇએ છીએ તેનાથી ઉત્પન્ન થયેલ ચિંતા અથવા ઇર્ષા મગજને હાઇ એલર્ટ પર રાખે છે. જે સુવા નથી દેતી ચહેરાથી સ્ત્રાવને દબાવી શકે છે. તેનાથી થાક ઉત્પન્ન થાય છે. ઉંઘ પુરી ન લેવાથી શરીરમાં વિકારો વધે છે. આનાથી બચવા માટે પથારીમાં જતા પહેલા ૪૦ મીનીટ પહેલા મોબાઇલથી દૂર રહો તો ઉંઘની ગુણવતા સુધરશે. આ ઉપરાંત વારંવાર ફોન જોવાથી એકાગ્રતાનો ભંગ, સોશ્યલ મીડીયા પર વીતાવેલા સમય બાબતે ઘરનાઓ સામે જુઠું બોલવું, પરિવાર અને મિત્રોથી અલગ થતાં જવું, સોશ્યલ મીડીયા ન જોવા મળે તો મુંઝવણ, ચિંતા, સોશ્યલ મીડીયા પર શેર કરવાની વધુ પડતી ઇચ્છા જેવા મનોવિકારો પણ આના કારણે ઉત્પન્ન થાય છે.