રિયા ડ્રગ્સ કેસ : શ્રધ્ધા કપૂર, સારા ખાન, રકુલ પ્રીતને સમન્સ મોકલાશે
એનસીબે કરશે પૂછપરછ : બોલીવુડ કનેકશનના ખુલાસાઓ કરશે

મુબઇ તા. ૨૧ : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મામલે તપાસ કરી રહેલી નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો આ સપ્તાહે સારા અલી ખાન, શ્રદ્ઘા કપૂર, સિમોન ખમ્ભાટા અને રકુલ પ્રીતને નોટિસ મોકલશે. આ ચારેય અભિનેત્રીઓને પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવશે. જો કે એનસીબી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતની ગર્લફ્રેન્ડે આ ચારેય અભિનેત્રીઓનું નામ લીધું હતું.
મળતી માહિતી મુજબ રિયા ચક્રવર્તીએ સિમોન ખમ્બાટા, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનનું નામ લીધું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે મુંબઈની એક જ જીમમાં રકુલ, સારા અને રિયા જતા હતા. ત્યાં જ તેમની મિત્રતા થઈ હતી. જેના પગલે જ એનસીબીને તપાસમાં માહિતી મળી છે અને તેમની પાસે જરૂરી તમામ માહિતી ઉપલબ્ધ છે. સાથે જ રિયાએ શ્રદ્ઘા કપૂરનું નામ પણ લીધુ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે શ્રદ્ઘાને પણ સમન્સ મોકલવામાં આવી શકે છે.
હાલમાં જ રાહિલ વિશ્રામ નામના મુંબઈના ડ્રગ પેડલરને ઝડપી પાડવામાં આવ્યો છે. હવે તેના સાગરિતોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિયાએ જણાવ્યું હતું કે સુશાંત તેમનાથી મળ્યા પહેલા ગાંજો પીતો હતો. તેણે જણાવ્યું કે ફિલ્મ કેદારનાથના શૂટિંગ પર તેણે વધારે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાંજાથી વધારે ભૂખ લાગે છે અને કેદારનાથના શૂટિંગ પછી સુશાંત અને સારાનું વજન વધી ગયું હતું.
હવે એનસીબી મોટા નામોને સમન્સ મોકલીને તેમની પૂછપરછ કરશે અને બોલિવૂડના કનેકશનનો ખુલાસો કરશે. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ મામલો સામે આવ્યો છે. એનસીબી ઝડપથી આ મામલાની તપાસ કરી રહી છે. ડ્રગ્સના બોલિવૂડ કનેકશનની તપાસ પણ ઝડપી ચાલી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે કઈ કઈ નવી વાતો અને નામો સામે આવે છે.