મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

ટ્રેનમાં ચોરાયેલી સોનાની ચેન ૧૯ વર્ષે પાછી મળીઃ ૧૯ હજારની ચેન હવે ૨.૩૦ લાખની થઈ ગઈ

ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ૨૦૦૧માં મહિલાની ૪૮ ગ્રામ વજનની સોનાની ચેન ચોરાઈ હતી

પૂણે, તા.૨૧: તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગયાના વર્ષો બાદ તમને પાછી મળી જાય તો? જેમ કે તમારું પર્સ ઓટો કે ટેકસીમાં રહી જાય અને સાંજ સુધીમાં તે તમને પાછું મળી જાય તો તમે સામેની વ્યકિત માટે પ્રાર્થના કરશો. આવી જ રીતે કોઈ વ્યકિતની સોનાની ચેન ચોરી થયાના ૧૯ વર્ષ બાદ મળે તો તેની ખુશીનો અંદાજ લગાવી શકાય છે. મહારાષ્ટ્રના થાણેમાં રહેનારી ૬૩ વર્ષની મહિલા નિર્મળા રાધા કૃષ્ણનની ૪૮ ગ્રામની સોનાની ચેન તેમને ૧૯ વર્ષ બાદ પાછી મળી છે. જોકે આટલા વર્ષો બાદ રેલવે પોલીસને તેમે શોધવામાં ખૂબ મુશ્કેલી થઈ.

૨૦૦૧માં ફરિયાદી નિર્મળા રાધા કૃષ્ણન થાણે સ્ટેશનથી એક ટ્રેનમાં બેઠા આ દરમિયાન તેમની ચેન કોઈએ ખેંચી લીધી. તેમણે આ મામલે કેસ નોંધાવ્યો હતો. ત્યારે તેઓ નવી મુંબઈના કોપરખૈરનેના સેન્ટ્રલ કોમ્પલેક્ષમાં રહેતા હતા. આ બાદ તેમનું એડ્રેસ બદલાઈ ગયું. જયારે ૨૦૦૩માં ચોરને પકડી લેવામાં આવ્યો. પરંતુ નિર્મળાએ ઘર બદલ્યું હોવાથી તેમનો સંપર્ક ન થઈ શકયો તો ચેનને લોકરમાં મૂકી દેવામાં આવી.

આ મામલે વાત કરતા થાણે રેલવે પોલીસના સ્મિતા ઠાકને કહ્યું, અમે ચેનને સુરક્ષિત લોકરમાં મૂકી દીધી હતી, કારણ કે નિર્મળા તેમણે આપેલા એડ્રેસ પર નહોતા મળ્યા. રેલવે પોલીસના કમિશનરે ચોરીના શિકાર થયેલા લોકોને શોધીને લોકરમાં રાખેલા સોનાના દાગીના પાછા આપવાનો આદેશ આપ્યો હતો. પછી અમે નિર્મળાને શોધવા તપાસ શરૂ કરી.

આ બાદ નિર્મળાના આપેલા એડ્રેસ પર પોલીસને મોકલવામાં આવી. પરંતુ તેઓ ત્યાં ન મળ્યા. આ બાદ રેલવે પોલીસે મોટા સ્તરે તેમને શોધવાનું શરૂ કર્યું. આ માટે તેમણે કોપરખૈરેનમાં ગેસ એજન્સીની તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ ન થયું, આ બાદ તેમણે FIRના તપાસ શરૂ કરી અને એક લેન્ડલાઈન નંબરથી ટેલીફોન એજન્સીમાં તપાસ કરી. આમ કરતા અનેક પ્રયાસો બાદ પોલીસને નિર્મળાનો મોબાઈલ નંબર મળ્યો.

૧૮મી સપ્ટેમ્બર રેલવે પોલીસે નિર્મળા રાધા કૃષ્ણનના દ્યરે જઈને તેમની ૨.૩૦ લાખ રૂપિયાની સોનાની ચેન પાછી આપી. આ સમગ્ર મામલે નિર્મળાજીનું રહેવું છે કે તેમને પોતાની કિસ્મત પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તેઓ કહે છે, ૨૦ વર્ષ પહેલા આ ચેન ૧૯,૦૦૦ રૂપિયાની હતી અને આજે તેની કિંમત ૧૦ ગણી છે. આટલા વર્ષો બાદ ચેન પાછી મળવા પર હું હેરાન છું. થાણેની રેલવે પોલીસે છેલ્લા બે મહિનામાં ચોરીની ફરિયાદ નોંધાવનારા ૬ લોકોને તેમનું ૨૨ તોલા સોનું પાછું કર્યું છે. આ તમામે લગભગ ૧૨થી ૨૦ વર્ષ પહેલા ફરિયાદ નોંધાવી હતી.

(4:05 pm IST)