કાલે શરદ સંપાત : દિવસ અને રાત સરખા
વિષુવવૃતની અસરથી દિવસ અને રાત્રી બન્નેની અવધી ૧૨ કલાકની : વિજ્ઞાન જાથા

રાજકોટ તા. ૨૧ : કાલે ફરી દિવસ અને રાત સરખા જોવા મળશે. સુર્યનો કાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ય ૨૧ ના દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. ૨૧ જુને લાંબો દિવસ જોવા મળ્યો. હવે કાલે તા. ૨૨ ના શરદ સંપાતના કારણે ફરી દિવસ અને રાત સરખા જોવા મળશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે.કાલે ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત્રી હશે. ખગોળીય ઘટના વસંત સંપાત પછી શરદ સંપાતની ઘટનાના અવલોકનનો જીજ્ઞાષુઓએ અચુક લાભ લેવા જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ અનુરોધ કરેલ છે.
તેમણે જણાવ્યા મુજબ કાલે ૨૨ સપ્ટેમ્બરના શરદ સંપાત છે. રાજકોટમાં સુર્યોદય સવારે ૬ કલાકને ૩૬ મીનીટે ઉગશે. સુર્યાસ્ત સાંજે ૬ કલાકને ૪૦ મીનીટે થશે. અમદાવાદમાં સુર્યોદય ૬ કલાકને ૨૯ મીનીટે અને સુર્યાસ્ત સાંજે ૬ કલાકને ૩૪ મીનીટે થશે. એજ રીતે સુરતમાં સુર્યોદય ૬ કલાકને ૨૯ મીનીટે, થરાદમાં ૬ કલાકને ૩૪ મીનીટે, મુંબઇમાં ૬ કલાકને ૨૮ મીનીટે થશે. પૃથ્વીની ઝુકેલી ધરીના કારણે પૃથ્વી પર અસામાન્ય આબોહવાના ફેરફારો, દિવસ-રાત, ગરમી-ઠંડી વગેરે અનુભવો ભૌગોલિક પરિસ્થિતિ જોવા મળે છે. આ કારણોથી જ જુદી જુદી ઋતુઓનો અનુભવ થાય છે. તેમ જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.