ઠાણેના ભિવંડીમાં ૩ માળની ઈમારત પત્તાની જેમ તૂટી પડીઃ ૧૦ના મોત
૨૫ લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

મુંબઇ, તા.૨૧: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં રવિવારની મધ્ય રાત્રીએ એક ત્રણ માળની ઇમારત પત્તાની જેમ તૂટી પડી હતી. બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો કાટમાણમાં ફસાઈ ગયાની આશંકા સેવાઇ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષ ૧૯૮૪માં આ ઈમારત બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે મકાન નંબર ૬૯, ઈમારતનો અડધો ભાગ મોડી રાત્રે તૂટી પડયો હતો.
મળતી માહિતી મુજબ આ ત્રણ માળના મકાનના ૨૧ ફ્લેટમાં ઘાણા લોકો સૂઈ રહ્યા હતા અચાનક મધરાત્રીના ૩ વાગીને ૨૦ મિનીટ પર ભિવંડીના પટેલ કમ્પાઉન્ડમાં કોહરામ મચી ગયો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જયારે હાલ સ્થાનિકો અને મનાપાની ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય યથાવત છે.
અહેવાલ પ્રમાણે ઈમારતમાંથી હજુ સુધી ૧૦ લોકોના મૃતદેહ પ્રાપ્ત થયા છે. જયારે રાહત કાર્ય દરમ્યાન ૫ લોકોને જીવીત બહાર નિકાળવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે બીજી તરફ હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે,
ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમે થાણાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થવાના સ્થળ પરથી એક બાળકને કાટમાળ માંથી બચાવવામાં સફળ રહ્યા હતા. તમારી જાણકારી મુજબ આજ રીતે ગત મહિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં એક પાંચ માળની ઈમારત પડી ગઈ હતી. તારિક ગાર્ડનની પાંચ માળની ઈમારત તૂટી પડવાને કારણે અંદાજીત ૫૦ લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઈમારત માત્ર દસ વર્ષ જુની હતી.