રાજકોટમાં છેલ્લા બે દિ'માં કોરોનાથી ૪૨ મોત
ગઇકાલ સવારનાં ૮ વાગ્યા થી આજે તા.૨૧નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર અને જીલ્લામાં ૨૧ દર્દીઓએ દમ તોડયો : સરકાર નિયુક્ત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને જીલ્લામાં ૧ મૃત્યુની નોંધ

રાજકોટ, તા. ૨૧: સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેમા રાજકોટ પણ બાકાત રહ્યુ નથી. શહેરમાં સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૨૧દર્દીઓનો ભોગ લેવાઇ જતા ફફડાટ ફેલાયો છે. તે સાથે છેલ્લા ૨ દિવસમાં મૃત્યુઆંક ૪૨ થઇ ગયો છે.
સરકાર નિયુક્ત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને જીલ્લામાં ૧ મૃત્યુની નોંધ થઇ છે.
આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૦નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૨૧ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૨૧ દર્દીઓનાં મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા બે જ દિવસમાં કોરોનાએ ૪૨ લોકોની જિંદગી છીનવી લીધી હતી. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે.
પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.
આમ છતાં રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુનો આંક ઓછો થતો ન હોઇ લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે.