કૃષિ બિલની સામે હરિયાણાના ખેડૂતો રસ્તા પર, ઠેરઠેર દેખાવો
મોદી સરકારના વિરોધમાં સતત નારેબાજી : હાઈ વે બ્લોક કર્યા, પરિસ્થિતિ વણસે તેમ લાગતાં પોલીસ કુમકો તૈનાત :યુપી, એમપી, દિલ્હી અને પંજાબમાં પ્રદર્શન

અંબાલા, તા. ૨૦ : કેન્દ્ર સરકારે ખેડૂતો વિરોધી બિલ પસાર કરતાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો રોષે ભરાયા છે. હરિયાણાના ખેડુતોએ કૃષિ બીલના વિરોધમાં રવિવારથી રાજધાની અને અન્ય જગ્યાએ વિરોધ પ્રદર્શનો તેજ કરી દીધાં હતાં. ખેડૂત સંગઠનોએ રસ્તા રોકો આંદોલન હેઠળ હાઈવે બ્લોક કરવાનું એલાન કર્યું હતું. આ જાહેરાત હેઠળ રવિવારે અસંખ્યા ખેડૂતો અંબાલામાં માર્ગો પર ઉતરી આવ્યા હતા.
ખેડુતો ટ્રેક્ટર લઈને માર્ગો પર ઉતર્યા અને બીલના વિરોધમાં નારેબાજી કરી હતી. પ્રદર્શનકારીઓ ઝંડા અને બેનર સાથે જોવા મળ્યા હતા. બીલનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા પોલીસે પાણીનો મારો કર્યો હતો. હરિયાણામાં અંબાલા પાસે સાદોપુર બોર્ડર પર આજે ખેડુતોના પ્રદર્શનને જોતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, અંબાલાના પોલીસવડા અભિષેક જોરવાલે કહ્યું કે, ભારતીય કિસાન યૂનિયને પ્રદર્શન બોલાવ્યું છે. તેને જોતા બેરિકેડ કરી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે, અમારી પાસે અહીં પૂરતું સુરક્ષાદળ છે. અમે ટ્રાફિક રૂટમાં પણ ફેરફાર કર્યો છે. જે લોકો દિલ્હી, કુરુક્ષેત્ર તરફથી આવી રહ્યાં છે અમારી પાસે તેમના માટે ડાયવર્ઝન પ્લાન છે. અંબાલામાં વધારે પોલીસની તૈનાતી એ માટે કરવામાં આવી છે કારણ કે પ્રદર્શનકારીઓ અહીંના રસ્તેથી દિલ્હી જઈ શકે છે. જ્યારે ખેડુતોના પ્રદર્શનને જોતા પોલીસ એલર્ટ મોડ પર છે.
અંબાલા રેંજ આઈજી વાઈ પુરન કુમારે આજે સવારે આ વિશે કહ્યું હતું, હરિયાણામાં ૧૬-૧૭ ખેડુત સંગઠનોના વિધેયકના વિરોધમાં પ્રદર્શન બોલાવ્યું છે. કોઈ પણ સ્થિતિમાં કાયદો વ્યવસ્થા જળવવામાં આવશે.
દિલ્હી પોલીસે રવિવારે જણાવ્યું કે, પાડોશી રાજ્યોમાં ખેડુતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે સીમાવર્તી વિસ્તારોમાં પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસની બહાર પાંચ રાજ્યોના સેંકડો ખેડુતો અને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના સભ્યો પ્રદર્શન કરી રહ્યાં છે. પોલીસે દિલ્હી-હરિયાણા બોર્ડર પર સતર્કતા વધારી દીધી છે.
ઉત્તરપ્રદેશ, હરિયાણાં, મધ્યપ્રદેશ, દિલ્હી અને પંજાબના ખેડુતો અને કાર્યકર્તા કોંગ્રેસ ઓફિસની બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા. તેઓ મોદી સરકારના વિરોધમાં સતત નારેબાજી કરી રહ્યાં હતા. જે બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધાં.
ઉલ્લેખનિય છે કે, વિવાદિત કૃષિ વિધેયકને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. આ બીલ રજુ કર્યાં બાદ તેના પર ચર્ચા થઈ, રાજ્યસભામાં સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી. સરકારની સહયોગી પાર્ટી અકાલી દળે આ બીલનો વિરોધ કર્યો છે. લોકસભામાં બીલ પસાર થયાં બાદ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.