મુખ્ય સમાચાર
News of Monday, 16th March 2020

કોરોના વાયરસની ઈફેક્ટ : બીસીસીઆઈની ઓફિસ પણ બંધ: ઘરેથી કામ કરશે કર્મચારી

મહામારીના ખતરાથી પોતાના કર્મચારીઓને સુરક્ષિત રાખવા ઓફિસ બંધ રાખવા નિર્ણંય

 

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે બીસીસીઆઈ મુંબઈ સ્થિત પોતાના મુખ્યાલયને બંધ કરી દેશે. ક્રિકેટ બોર્ડે પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહ્યું છે. ક્રિકેટની તમામ ગતિવિધિઓ આગામી નોટિસ સુધી પહેલા જ સસ્પેન્ડ કરી દેવાઈ હતી તેવામાં હવે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. 

 બોર્ડના ટોચના સૂત્રોએ જણાવ્યું કે  'બીસીસીઆઈના કર્મચારીઓને આજે જાણ કરવામાં આવી છે કે કોવિડ-19 મહામારીને કારણે વાનખેડે સ્ટેડિયમ સ્થિત મુખ્યાલય બંધ રહેશે. તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

 બીસીસીઆઈએ પહેલા આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કર્યો હતો, જ્યારે ઇરાની કપ અને મહિલા ચેલેન્જર ટ્રોફી સહિત તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ પણ ટાળી દેવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 114 કેસ સામે આવ્યા છે, જ્યારે બે લોકોના મોત થયા છે. વિશ્વ સ્તર પર પણ આ બીમારીથી 6 હજાર કરતા વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,60,000થી ઉપર પહોંચી ગઈ છે. 

 

(12:17 am IST)