મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરને બંધ કરવા નિર્ણય : લોકો હતાશ
કોરોનાના લીધે ભગવાનના શ્રદ્ધાળુઓમાં પણ ભારે દહેશત : સાવચેતીના પગલારુપે આગામી હુકમ સુધી સિદ્ધિવિનાયક મંદિર બંધ રહેશે ગ્રુપ ટુર બંધ રાખવા માટે નિર્ણય : મુંબઈમાં કલમ ૧૪૪ અમલી કરી દેવાઈ

મુંબઈ, તા.૧૬ : કોરોનાના કહેરે હવે શ્રદ્ધાળુઓમાં પણ દહેશત ફેલાવી દીધી છે. મુંબઈના લોકપ્રિય સિદ્ધિ વિનાયક મંદીરને આગામી આદેશ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમવારના દિવસે સાંજે સાત વાગ્યાથી જ સિદ્ધિ વિનાયક મંદિરને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. મંદિર હવે ક્યારે ખુલશે તે સંદર્ભમાં મોડેથી સૂચના જારી કરવામાં આવશે. આ મંદિર ભારેભરચક વાળા વિસ્તારમાં આવે છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાયો છે. એકલા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૩૮ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. રાજ્યભરમાં હાહાકાર મચેલો છે. તમામ સ્કુલો અને કોલેજોને બંધ કરવામાં આવી ચુકી છે. યુનિવર્સિટીની પરીક્ષાઓને ટાળવાની દિશામાં પણ તંત્ર આગળ વધી રહ્યું છે.
પંચાયત અને સ્થાનિક ચૂંટણીઓ ત્રણ મહિના માટે ટાળી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ પુણેમાં નોંધાયા છે. મુંબઈમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. મુંબઈ પોલીસે પહેલાથી જ કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો પુણેમાં સૌથી વધુ ૧૬, મુંબઈમાં આઠ, નાગપુરમાં ચાર, રાયગઢ, નવી મુંબઈ અને યેવાતમલમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. કલ્યાણ, ઔરંગાબાદ, અહેમદનગર, થાણેમાં એક એક કેસ નોંધાયા છે. મુંબઈ પોલીસે અબ્રાર મુસ્તાક નામના એક શખ્સની ધરપકડ કરી છે.
તેના ઉપર આક્ષેપ છે કે, આ શખ્સે એક મહિલાને સર્જિકલ માસ્ક વેચવાના નામ પર ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગ્રુપ ટુર ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. યેવાતમલના ડીએમ એમડી સિંહે કહ્યું છે કે, જિલ્લમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આ શખ્સ હાલમાં જ દુબઈથી પરત ફર્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આરોગ્યમંત્રી રાજેશ ટોપે દ્વારા કોરોના વાયરસ પર સમીક્ષા માટે ચીફ સેક્રેટરી સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક પણ યોજી હતી.
મહારાષ્ટ્રમાં કોરોના કેસો
મુંબઈ, તા. ૧૬ : મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.
કુલ કેસોની સંખ્યા |
૩૮ |
પુણેમાં કેસો |
૧૬ |
મુંબઈમાં કેસો |
૦૮ |
નાગપુરમાં કેસો |
૦૪ |
રાયગઢમાં કેસો |
૦૩ |
નવી મુંબઈમાં કેસો |
૦૩ |
યેવાતમલમાં કેસો |
૦૩ |
કલ્યાણમાં કેસો |
૦૧ |
ઔરંગાબાદમાં કેસ |
૦૧ |
અહેમદનગરમાં કેસ |
૦૧ |
થાણેમાં કેસ |
૦૧ |