બજારમાં હાહાકાર વચ્ચે ૭.૫ ટ્રિલિયન રૂપિયાનું ધોવાણ થયું
અમેરિકી ડોલરમાં પણ જોરદાર કડાકો બોલાયો : નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૨૦૦૦ પોઇન્ટથીય વધુનો ઘટાડો

મુંબઈ, તા. ૧૬ : શેરબજારમાં આજે ભારે અફડાતફડી વચ્ચે કારોબારીઓએ લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. બીએસઈમાં રોકાણકારોએ તેમની માર્કેટ મૂડીમાં ૭.૫ ટ્રિલિયન રૂપિયા ગુમાવી દીધા હતા. કારોબારીઓની સંપત્તિમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો હતો. શેરબજારમાં હાલમાં અવિરત રેકોર્ડ ઘટાડો જારી રહ્યો છે. વૈશ્વિક કોરોના વાયરસ વધુને વધુ દેશોમાં સકંજો મજબૂત બનાવી રહ્યો છે ત્યારે તેની અસર ભારતની સાથે સાથે વૈશ્વિક બજારો ઉપર થઇ રહી છે. આજે કારોબાર દરમિયાન યસ બેંકના શેરમાં સુધારો થયો હતો તેના શેરમાં ૪૫ ટકા સુધીનો સુધારો રહેતા તેની શેરની કિંમત ૩૭.૦૫ રહી હતી.
નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૨૦૮૮ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલમાં નવ ટકાનો ઘટાડો રહ્યો હતો. એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસના શેર ઇશ્યુ પ્રાઇઝ કરતા નીચી સપાટીએ લિસ્ટ થયા હતા જેથી પણ નિરાશા જોવા મળી હતી. ડોલરમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. કારણ કે, ઇમરજન્સી મુવ તરીકે અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. યુરોપિયન શેરમાં પણ કોરોના વાયરસ પેન્ડેમિક વચ્ચે કડાકો રહ્યો હતો.