કસ્ટમર કેરના નામે આવતા મેસેજ તેમજ એપ્લિકેશનથી સાવધાન
મુંબઈ તા. ૧૬ : છેલ્લા કેટલાક સમયથી કેક શોપ, હોટેલ, બેન્ક કસ્ટમર કેર, હોસ્પિટલ, ગેસ એજન્સી વગેરેના નામે બોગસ હેલ્પલાઈન નંબરના માધ્યમથી છેતરાવાની ફરિયાદોમાં ધરખમ વધારો થયો હોવાથી મુંબઈ પોલીસના સાઇબર ક્રાઈમ સેલે આવા મેસેજથી સાવધ રહેવાની ચેતવણી જારી કરી છે.
સાઇબર સેલે જારી કરેલી ચેતવણીમાં લખ્યું છે કે આજના ઇન્ટરનેટના યુગમાં લોકો મોટા પ્રમાણમાં આ માધ્યમનો ઉપયોગ કરે છે. તેઓ રોજબરોજના કામ માટે ગૂગલમાં સર્ચ કરે છે. આમ કરતી વખતે સંબંધિત સર્વિસનો કસ્ટમર કેર કે હેલ્લલાઈન નંબર જોવા મળે છે. આ નંબર પર કોલ કરીને આપણે માહિતી મેળવી છીએ, પરંતુ આનો ઉપયોગ ગુનેગારો લોકોને છેતરવા માટે કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયમાં આવા મામલામાં ધરખમ વધારો થયો છે.
આથી કોઈને એની ડેસ્ક, ટીમ વ્યુઅર કે બીજી કોઈ પણ એપ્લિકેશન કે કસ્ટમર કેરનો ટેકસ્ટ મેસેજ કે વોટ્સએપ આવે તો એનાથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આવા મેસેજના માધ્યમથી ગુનેગારો તમારા બેન્કની વિગતો મેળવી તમારું અકાઉન્ટ સાફ કરી દે છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરવાના મેસેજનો મારો પણ આજકાલ ચાલી રહ્યો છે. વિવિધ સ્કીમ, ગિફટને નામે એકસાથે હજારો લોકોને મેસેજ મોકલવામાં આવે છે. કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરે ત્યારે તેની પાસેથી બેન્ક, ઘર, ઓફિસ અને આવકની માહિતીનું ફોર્મ ભરવાનું કહેવાય છે. કોઈ આવી માહિતી આપી દે તો તેના રૂપિયા તફડાવી લેવાય છે.