મુખ્ય સમાચાર
News of Monday, 16th March 2020

રાજસ્થાનના રિસોર્ટમાંથી કોંગ્રેસના ચાર ધારાસભ્યો બહાર નિકળતા જુથવાદની ચર્ચા

હિંમતસિંહ પટેલ, બળદેવજી ઠાકોર, સી.જે. ચાવડા તથા વિમલ ચુડાસમા બહારઃ ૩૭ સભ્યો હાજર

રાજકોટ તા. ૧૬: કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનમાં જયપુર ખાતેના શિવનિવાસ રિસોર્ટ ખાતે લઇ જવાયા છે ત્યારે એમ કહેવાય છે કે અમદાવાદના હિંમતસિંહ પટેલ, ગાંધીનગરના સી. જે. ચાવડા, બળદેજી ઠાકોર અને વિમલ ચુડાસમા રિસોર્ટ બહાર નિકળ્યા છે. કોંગ્રેસના બે માંથી એક જ ઉમેદવાર હવે ચુંટણી જીતી શકે તેમ છે ત્યારે આ ચાર સભ્યો બહાર આવતા કોંગ્રેસના આંતરિક જુથવાદ અંગે ચર્ચા શરૂ થઇ છે.

ચર્ચાતી વિગતો મુજબ હવે રિસોર્ટમાં ૩૭ સભ્યોજ હોવાનું મનાય છે ત્યારે આ ચાર સભ્યો સ્થાનિક લેવલે ફરવા નિકળ્યા છે અને ફરી રિસોર્ટ પહોંચવાના છે કે તેઓ અન્યત્ર અડીંગો જમાવશે તે અંગે ચર્ચા શરૂ થઇ છે.

કાલે રાજયસભા ચુંટણીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ બન્ને ઉમેદવાર જીતશે તેવી વાત કરી છે. ત્યારે કોંગ્રેસની વ્યુહરચના શું છે તે અંગે પણ ઉત્તેજના જાગી છે.

બીજી તરફ હાલ તો કોંગ્રેસના એક જ ઉમેદવાર ચુંટણી જીતી શકે તેમ હોવાનું સ્પષ્ટ છે ત્યારે ભરતસિંહ સોલંકી જીતશે કે શકિતસિંહજી ગોહિલ જીતશે તે અંગે ચર્ચા એ જોર પકડયું છે.

રાજસ્થાનમાં રિસોર્ટ ખાતે રખાયેલા ધારાસભ્યો એકજ જુથના હોવાની રાજકીય ચર્ચા છે ત્યારે રિસોર્ટની બહાર નિકળેલા ધારાસભ્યો એક ચોકકસ જુથના હોવાની ચર્ચાથી એવી વાતે પણ જોર પકડયું છે કે કોંગ્રેસમાં હાલના ધારાસભ્યોમાં કયા જુથના વધુ ધારાસભ્યો છે. કોંગ્રેસમાંથી કોણ જીતશે તે અંગે પણ રહસ્ય વધુ ઘેરૃં બન્યું છે.

(3:51 pm IST)