હિન્દુ પૂજારીની નિર્મમ હત્યાનાં ગુનામાં બાંગ્લાદેશના જમાત ઉલ મુજાહિદીનના ૪ આંતંકીને ફાંસીની સજા
મંદિરના મુખ્ય મહંતનું ગળું કાપીને નિર્મમતાથી હત્યા કરી હતી

ઢાકા : બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ઈસ્લામિસ્ટ આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન-બાંગ્લાદેશ (JMB) સાથે જોડોયલા ૪ લોકોને એક હિન્દુ પૂજારીની હત્યા મામલામાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ચારેય આતંકીઓ હિન્દુ પૂજારી જગનેશ્વર રોયના હત્યા કેસમાં દોષી પુરવાર થયા હતા. રાજશાહી ફાસ્ટ ટ્રેક ટ્રિબ્યૂનલના એક જજ અનૂપ કુમારે આ ચારેયના ગુનાને રેર ઓફ રેરેસ્ટ કરાર કરતાં તેમને ફાંસીની સજા ફટકારી છે
ચુકાદા સમયે કોર્ટમાં ત્રણ દોષી-જહાંગીર હુસૈન ઉર્ફ રજીબ, આલમગીર હુસૈન અને રમજાન અલી હાજર હતા. ચોથો આરોપી રજીબુલ ઈસ્લામ આ સુનાવણીમાં સામેલ નહોતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ૫૦ વર્ષીય જગનેશ્વર રોય સોનાપોટા ગામના સંત ગૌરિયા મંદિરના મુખ્ય મહંત હતા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ કેટલાક હથિયારધારી લોકોએ તેમનું ગળું કાપીને નિર્મમતાથી હત્યા કરી હતી.
ધારદાર હથિયારથી તેમના શરીર પર ઘા પણ મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના શિષ્ય ગોપાલચંદ્ર રોયને પણ ગોળી વાગી હતી.