મુખ્ય સમાચાર
News of Monday, 16th March 2020

રાજયસભા ચુંટણી જંગ

નાનો બળવો પણ અનેક રાજયોમાં બગાડી શકે છે કોંગ્રેસનો ખેલઃ પક્ષની અગ્નિ પરીક્ષા

નવી દિલ્હી તા. ૧૬: નેતાઓના બળવાના કારણે ચારે તરફ મુશ્કેલીઓ સામે લડી રહેલી કોંગ્રેસ માટે રાજયસભાની ચુંટણી લીટમસ ટેસ્ટ બની રહી છે. ચુંટણીની ગરમા ગરમી દરમ્યાન જ મધ્ય પ્રદેશ પછી હવે ગુજરાતમાં પણ ધારાસભ્યોની બંડખોરીએ પક્ષનું સમીકરણ ખોરવી નાખ્યું છે.

કોંગ્રેસમાં આંતર વિરોધનો લાભ ઉઠાવવામાં લાગેલ ભાજપાની નજર રાજસ્થાન અને હરિયાણામાં પણ મુખ્ય પ્રધાન ગહેલોત અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપિન્દરસિંહ હુડ્ડાના વિરોધી ધારાસભ્યોના મતો પર લાગેલી છે. ઝારખંડમાં પણ કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર માટે જરૂરી સંખ્યા પુરી નથી થઇ રહી. આ સ્થિતિમાં ધારાસભ્યોનો નાનકડો બળવો પણ આ રાજયોમાં કોંગ્રેસનો ખેલ સંપૂર્ણપણે બગાડી દેશે.

૧૭ રાજયોની પપ રાજયસભા બેઠકો માટે ભાજપા અને કોંગ્રેસ પુરૂ જોર લગાવી રહ્યા છે પણ રાજયસભા ચુંટણીની જાહેરાત પછી જયોતિરાદિત્ય સિંધિયાના બળવાએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનું સમીકરણ ખોરવી નાખ્યું. તેનાથી પક્ષની રાજયસભાની એક બેઠક તો ઘટી જ પણ રાજય સરકારનું ભાવિ પણ દાવ પર છે.

રવિવારે ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાએ કોંગ્રેસની બીજી બેઠક જીતવાની શકયતાઓ ઘટાડી દીધી છે. અહીં પક્ષને પોતાના બન્ને ઉમેદવારોને જીતાડવા ૭૪ ધારાસભ્યોની જરૂર છે. પહેલા પક્ષને આશા હતી કે પોતાના ૭૩ અને અપક્ષ જીજ્ઞેશ મેવાણીના સહારે તે બન્ને બેઠકો જીતી જશે. પણ હવે ચાર ધારાસભ્યોના રાજીનામાએ પક્ષના રણનીતિકારોને મુંઝવી દીધા છે.

હરિયાણામાં રાજયસભાની એક બેઠક જીતવા માટે કોંગ્રેસને ૩૧ મતની જરૂર છે. અત્યારે ત્યાં તેની પાસે ૩૦ ધારાસભ્યો છે એટલે કે તે ૧ મતથી પહેલાથી જ પાછળ છે. ભાજપાના રણનીતિકારોનું માનવું છે કે કુમારી શૈલજા અને રણદિપસિંહ સુરજેવાલાની જગ્યાએ ભૂપેન્દ્ર હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાને ઉમેદવાર બનાવવાથી ત્યાં પણ ફૂટ ઉભી થઇ છે. આના કારણે કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરી શકે છે. ક્રોસ વોટીંગ થાય તો દીપેન્દ્ર હુડ્ડાનો માર્ગ અઘરો બનશે.

(12:02 pm IST)