સૌથી ગંભીર સ્થિતિ યુરોપની
ઇરાનમાં ૧૧૩, સ્પેનમાં ૧૦૦ અને ઇટાલીમાં કુલ મૃત્યુઆંક ૧૮૦૯ને પાર : સમગ્ર વિશ્વમાં ૧,૬૨,૩૯૨ કેસ : ૧૩૫ દેશો ભરડામાં

નવી દિલ્હી તા. ૧૬ : વિશ્વભરમાં કોરોના વાયરસનો ભરડો ધીમો ધીમે વધી રહ્યો છે. ચીન પછી કોરોના વાયરસનું એપી સેન્ટર બનેલા ઈટાલીમાં કોરોનાવાયરસનાં કારણે ૧,૪૪૧ લોકોનાં મોત નીપજયાં છે. જયારે સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૯૧ થઈ ગયો છે. વિશ્વના ૧૩૫ દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સમગ્ર વિશ્વમાં સરકારી તંત્રો કોરોનાનો પ્રસાર અટકાવવા માટે પગલાં લઈ રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે મોટાભાગના દેશોમાં લોકડાઉન, કફર્યુ અને પ્રવાસ પર પ્રતિબંધો મૂકવાના આદેશો અપાયા હતા. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક ૬,૦૦૦થી વધુ થયો છે જયારે કુલ ૧,૬૨,૩૯૨ કેસ નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોની સરકારોએ કયાંક લોકડાઉનના તો કયાંક કફર્યુના આદેશો આપ્યા છે. કયાંક નાગરિકોના પ્રવાસો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. સૈનિકો દેશોની સરહદો તો પોલીસ રાજયોની સરહદો બંધ કરી રહ્યા છે.
કોરોના વાયરસના ઉત્પત્તિ સ્થાન ચીન સિવાય સૌથી ગંભીર પરિસ્થિતિ યુરોપની છે. ચીનની બહાર યુરોપમાં ઈટાલી અને હવે સ્પેન કોરોનાના એપી સેન્ટર બન્યા છે. સ્પેનમાં રવિવારે કોરોના વાઈરસના ૨,૦૦૦થી વધુ નવા કેસોની પુષ્ટી થઈ હતી. યુરોપમાં ઈટાલી પછી સ્પેનમાં કોરોના વાયરસ સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સ્પેન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૭,૭૫૩ થઈ ગઈ છે, જેમાંથી ૨૯૧ લોકોના મોત નીપજયાં છે. સ્થિતિની ગંભીરતા જોતાં સરકારે સમગ્ર દેશને લોકડાઉન સ્થિતિમાં મૂકી દીધો છે. લોકોને કામ પર જવા, દવા આૃથવા સામાન ખરીદવા સિવાય ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોનાં પત્ની પછી હવે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનાં પત્ની બેગોના ગોમેઝને પણ કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. સ્પેને શનિવારે મોડી રાતે આ જાહેરાત કરી હતી. આ સમાચાર સાથે સાંચેઝે સમગ્ર દેશમાં પ્રતિબંધોની જાહેરાત કરી હતી. સાંચેઝની કેબિનેટના બે મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે. જોકે, કેબિનેટના અન્ય મંત્રીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
બીજીબાજુ ઈરાનમાં કોરોના વાઈરસથી એક જ દિવસમાં ૧૧૩ લોકોના મોત થયા હતા. કોરોનાથી પ્રભાવિત ઈરાનમાં એક જ દિવસમાં આટલા બધા મોત થયાનો આ પહેલો કિસ્સો છે. આ મોત સાથે ઈરાનમાં કુલ મૃત્યુઆંક ૭૨૪ થઈ ગયો છે. કોરોના વાઈરસના વધતા કેસોના પગલે ઈસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સ્થળ મસ્જિદ અલ અકસાને બંધ કરી દેવાઈ છે.
ઈટાલીમાં બધી જ સ્કૂલો, યુનિવર્સિટીઓ, હોટેલો બંધ કરી દેવાઈ છે. લોકોને માત્ર ભોજન અને દવાઓ ખરીદવા જ ઘરમાંથી બહાર નીકળવા મંજૂરી અપાય છે. ઈટાલીમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩૬૮ લોકો મૃત્યુ પામતા હાહાકાર મચી ગયો છે. જેના કારણે કુલ મૃત્યુઆંક ૧૮૦૯થી પણ વધી ગયો છે અને કુલ કેસોની સંખ્યા ૨૪,૭૪૭ થઈ ગઈ છે. ચીન પછી ઈટાલી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ઈટાલીમાં કોરોનાનો પ્રસાર વધવાનું કારણ લોકોની બેદરકારી છે. રાષ્ટ્રીય સ્તરે તાળાબંધીની સ્થિતિ છતાં લોકો મેળાવડાઓમાં ભાગ લઈ રહ્યા હોવાનો તંત્રે દાવો કર્યો હતો.
ફિલિપાઈન્સમાં રવિવારે મેળાવડા, ફિલ્મો અને મરઘાંઓની લડાઈ સહિતના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. મેટ્રોપોલીસમાં મોટાભાગની સરકારી ઓફિસો એક મહિના માટે બંધ કરી દેવાઈ છે.
બ્રિટનમાં કોરોનાવાયરસે ૨૧ લોકોનો ભોગ લીધો છે જયારે ૧,૧૪૦ લોકોને ઝપટમાં લીધા છે. બ્રિટનમાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખતાં રાણી એલિઝાબેથ-૨દ્ગચ બકિંગહામ પેલેસમાંથી વિન્ડ્સર કેસલ ખસેડવામાં આવ્યા છે. રાણી ઉપરાંત પ્રિન્સ ફિલિપને પણ આગામી સપ્તાહમાં નોરફોકમાં સેન્ડ્રિગહામ એસ્ટેટમાં કવોરેન્ટાઈનમાં મુકવામાં આવે તેવી સંભાવના છે. દરમિયાન દુનિયામાં કોઈ નવજાત બાળકને કોરોના થયો હોવાનો પહેલો કિસ્સો નોંધાયો છે. બ્રિટનમાં એક નવજાતને ન્યુમોનિયા થયો હોવાનું માતાને લાગ્યું હતું. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તેને કોરોના હોવાનું જણાયું હતું. હવે માતા અને બાળકની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દરમિયાન અમેરિકામાં કોરોનાથી ૬૦થી વધુના મોત નીપજયાં છે. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે તેમ વ્હાઈટ હાઉસે જણાવ્યુ ંહતું. ૭૩ વર્ષીય ટ્રમ્પે શુક્રવારે રાત્રે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો. ટ્રમ્પ બ્રાઝિલના નેતાઓને મળ્યા પછી તેમના ટેસ્ટની માગ થવા લાગી હતી. ટ્રમ્પ સાથે મુલાકાત કરનારા બ્રાઝિલના બે નેતાઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.