શું પરીક્ષામાં કોરોનાનો ચેપ ન લાગી શકે?
મુંબઇ યુનિવર્સિટીના લેકચર્સ બંધ કરવાના, પણ પરીક્ષા ચાલુ રાખવાના નિર્ણયના લોજિક સામે સ્ટુડન્ટ્સ - પેરન્ટ્સનો સવાલ

મુંબઇ તા. ૧૬ : કોવિડ-૧૯ના પ્રસારના ભયે સરકારે સ્કૂલ-કોલેજો ૩૧ માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ મુંબઈ યુનિવર્સિટીએ પ્રેકિટકલ્સ અને પરીક્ષા ચાલુ રાખવાનું જણાવતો સકર્યુલર બહાર પાડતાં કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા બાબતે સ્ટુડન્ટ્સ અને વાલીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે.
શૈક્ષણિક પ્રવૃત્તિ બંધ હોય ત્યારે કોલેજ અને યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પણ કામ ચાલુ રાખવા સંદર્ભે પ્રશ્નો કરી રહ્યા છે. કોરોના વાઇરસના ભયે શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવી હોયલ પરંતુ પરીક્ષા પાછળ ન ઠેલાય એની પાછળના લોજિક વિશે પણ પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે.
કે. જી. મિત્તલ કોલેજની એક સ્ટુડન્ટ મરિયમ્મા વર્ગીઝે જણાવ્યું હતું કે 'શનિવાર સુધી અમે બધાં એમ જ માનતાં હતાં કે પરીક્ષા રદ કરવામાં આવશે, પણ ગઈ કાલે યુનિવર્સિટીના સકર્યુલરે અમારા મનમાં વધુ પ્રશ્નો ઉઠાવ્યા છે.'
સ્ટુડન્ટ્સ તેમ જ વાલીઓ બન્ને વાઇરસના ભય વચ્ચે કોલેજ પહોંચવા બાબતે ચોક્કસ નથી. કેટલીક કોલેજોએ સ્ટુડન્ટ્સને માસ્ક પહેરવા અને પરીક્ષા દરમ્યાન હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે.
લેકચર્સ રદ કર્યાં પણ પરીક્ષા લેવામાં આવશે એ કઈ રીતે યોગ્ય કહેવાય? શું પરીક્ષા અને પ્રેકિટકલ્સ વખતે ઇન્ફેકશન નહીં લાગે? એમ એક શિક્ષક સમક્ષ પોતાની વાત મૂકતાં વધુમાં કહ્યું હતું કે સ્ટુડન્ટ્સને રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે અસ્પષ્ટતા પ્રવર્તે છે. શું અમને ચેપનો ભય નથી? મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના ઉપ-પ્રમુખ સંતોષ ગાંગુર્ડેએ કહ્યું હતું કે જો કોલેજો એકઝામ પાછળ ઠેલવાની નથી તો પછી સભા-સમારોહ રોકવાનાં પગલાંનો શો અર્થ? આનાથી તો સ્ટુડન્ટ્સ અને વાલીઓમાં ભયનું વાતાવરણ પ્રવર્તશે.