૧૫ રાજ્યોમાં ફેલાયો કોરોના વાયરસ: દેશભરમાં ૧૧૨ દર્દીઓ : ઓડિશામાં પ્રથમ કેસ

ભુવનેશ્વર તા. ૧૬ : દેશમાં કોરોના વાયરસના ૧૧૨ કેસ નોંધાઈ ચૂકયા છે. અત્યાર સુધીમાં ૧૫ રાજયોમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. ભુવનેશ્વરના એક વ્યકિતને આ વાયરસનો ચેપ લાગ્યો છે જેમની ટ્રાવેલ હિસ્ટ્રી ઈટલી છે. આ રીતે ઓડિશામાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. એક દિવસ પહેલા ઉત્તરાખંડમાં પણ પહેલો કેસ સામે આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત કેસનો આંકડો ૩૩ છે, જે દેશમાં સૌથી ટોપ પર છે. હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ૧૧૦ મામલા નોંધાયાની પુષ્ટી કરી છે.
ભારતમાં અત્યાર સુધીમાં ૧૩ કોરોના પીડિત સ્વસ્થ થઈ ચૂકયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ મોડી રાત્રે આપેલી જાણકારી પ્રમાણે રાજસ્થાનમાં ત્રણ દર્દીઓ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સિવાય ત્રણ કેરળના દર્દીઓ અને ૭ લોકો દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાંથી સાજા થઈ ગયા છે.
મહારાષ્ટ્ર બાદ કેરળમાં કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ છે. ત્યાં ૨૨ લોકો કોરોના પોઝેટિવ આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના ૧૨ કેસ સામે આવ્યા છે. દેશમાં મહામારી જાહેર કરવામાં આવી છે, અને તેને રોકવા માટે તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે.
ગુજરાત સહિત ઘણાં રાજયોમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સ્કૂલો, શોપિંગ મોલ, થિયેટર વગેરે જગ્યાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ગુજરાતમાં આ સ્થળોને ૨૯ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.