કોરોનાએ ઇટાલિયનોમાં છલકાવી સંગીતપ્રીતિ : ઘરમાં કેદ થયેલા
લોકો પોતપોતાની બાલ્કની કે બારીમાં ઊભા રહીને સમૂહગીત ગાય છે

રોમ તા. ૧૬ : કોરોના વાઇરસના ચેપ બાબતે હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી એક ઇટલીમાં કવોરન્ટીન ફેસિલિટી માટે લાખો લોકોને આઇસોલેશન (એકાંતવાસ)માં રહેવાની સૂચના ડોકટરોએ આપ્યા પછી ત્યાંના લોકો એને ઉત્સવની જેમ માણે છે. ડોકટરોની સલાહ પ્રમાણે એકાંતવાસ ભોગવે તો પણ માનવસહવાસની ઝંખના તો રહે જ છે.
ઇટલીમાં ૧૦ માર્ચથી ૬ કરોડ લોકો તેમના ઘરમાં આવો એકાંતવાસ ભોગવે છે. હાલમાં યુરોપના એ દેશમાં કોરોના વાઇરસના ૧૭,૦૦૦ કન્ફર્મ્ડ કેસ હોવાથી કવોરન્ટીન અને આઇસોલેશનની અનિવાર્યતા વ્યાપક પ્રમાણમાં છે, પરંતુ ડોકટરોની એ સલાહને કારણે લોકોના સંગીત અને કળાના શોખ પોષાઈ રહ્યા છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં બાલ્કનીમાં કે બારી પાસે ઊભા રહીને ગાતા-નાચતા કે સંગીતનાં વાદ્યો વગાડતા ઇટેલ્યન્સ જોવા મળે છે. સિસિલી શહેરમાં લોકોએ તેમનાં ગિટાર અને ટેમ્બુરિન્સ બહાર કાઢ્યાં છે અને બાલ્કનીમાં કે બારી પાસે ઊભા રહીને લોકગીતો તથા લોકધૂનો વગાડવા માંડ્યા છે. નેપલ્સમાં ગાયનના શોખીનો વધારે દેખાઈ રહ્યા છે. ટ્વિટરના વિડિયોમાં બોલોના શહેરમાં પણ સંગીત અને કળાનો પ્રેમ છલકાતો જોવા મળે છે.