યુપીની ૧૧ વિધાન પરિષદની બેઠકો પર ભાજપાની નજર એમએલસી ચુંટણીમાં પહેલી વાર કમળ ખિલવવા કવાયત

લખનૌ તા. ૧૬: વિધાનસભા અને લોકસભા ચુંટણીમાં જીતનો ડંકો વગાડયા પછી હવે ભાજપાની નજર વિધાન પરિષદ પર છે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની થનાર ચુંટણીમાં પહેલી વાર જીત માટે ભાજપાએ ખાસ યોજના બનાવી છે. પોતાની ચુંટણી રણનીતિ હેઠળ દરેક મતદાર પાસે જઇને ભાજપા ટેકો મેળવવાની સાથે જ બધા મતદાન કેન્દ્રો પર સંમેલનો પણ કરશે.
રાજયની ૧૧ બેઠકો પર થનાર ચુંટણીમાં પક્ષના સંગઠન સ્તરે પણ ખાસ તૈયારીઓ કરાઇ રહી છે. ઉત્તર પ્રદેશની ૧૧ વિધાન પરિષદ બેઠકો પર ચુંટણી થવાની છે. શિક્ષક ક્ષેત્રની બેઠકો પર માધ્યમિક શિક્ષા સંઘના ઓમ પ્રકાશ જૂથનો કબ્જો રહે છે. સ્નાતક બેઠકો પર પણ મોટા ભાગે ઓમપ્રકાશ જૂથની જ સરસાઇ રહે છે પણ આ વખતે ભાજપાએ આ મેદાનમાં ઝંપલાવ્યું છે.
પક્ષની રણનીતિ અગિયારે-અગિયાર બેઠકો પર લડવાની છે. આના માટે મત મેળવવાનું અભિયાન પણ ભાજપા ચલાવી ચૂકયો છે. ભાજપાએ હવે મત મેળવવા માટે દરેક મતદારનો સંપર્ક કરવા સંપર્ક અભિયાન ચાલુ કરવાનું નક્કી કર્યું છે.