કોરોનાના વધતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત
કેસોના મામલામાં મહારાષ્ટ્ર હોટઝોન બનતા ચિંતા : મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલા સંદર્ભે વાતચીત

મુંબઈ, તા. ૧૫ : મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૩૨ ઉપર પહોંચી ચુકી છે. કેન્દ્ર સરકારે વાયરસને ડિઝાસ્ટર તરીકે જાહેર કર્યા બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર સૌથી આગળ નિકળી ગયું છે. અહીં કેસોની સંખ્યા ૩૨ પર પહોંચી છે. આજે સવારે ૧૧ વાગે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના ફેલાવા અને તેને રોકવાના સંદર્ભમાં ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા વિવિધ પગલા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનને તેમની સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા અંગે માહિતી આપી હતી. એકલા મહારાષ્ટ્રમાં સૌથી ઝડપથી કેસોની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં ૧૭ નવા કેસો એક જ દિવસે સપાટી ઉપર આવી ચુક્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં લઇને સરહદોને સીલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ગૃહમંત્રાલય દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, કોરોનાથી મૃત્યુ પામનારને ચાર લાખની મદદ કરવામાં આવશે.