અમે ફ્લોર ટેસ્ટમાં હાજર નહીં રહીએ, છ ધારાસભ્યોની જેમ અમારા રાજીનામાં સ્વીકારો :મધ્યપ્રદેશના 16 ધારાસભ્યોનો અધ્યક્ષને પત્ર

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ ખતમ થવાનું નામ નથી લેતું. કર્ણાટકમાં હાલ રોકાયેલા 16 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી જણાવ્યું છે કે, તેઓ સોમવારે થનારા ફ્લોર ટેસ્ટમાં હાજર નહીં રહે. એટલું જ નહીં તેમણે અગાઉ જે રીતે 6 ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર્યા છે, તે રીતે જ તેમના પણ રાજીનામા સ્વિકારવામાં આવે.
મધ્યપ્રદેશ સરકારને સોમવારે વિધાનસભામાં બહુમત સાબિત કરવા નિર્દેશ અપાયો છે. ત્યારે ભોપાલ જિલ્લા તંત્રએ શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. આ કલમ શહેરમાં 16 માર્ચથી 13 એપ્રિલ સુધી લાગુ રહેશે.
બીજી તરફ મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકર નર્મદા પ્રસાદ પ્રજાપતિએ કહ્યું છે કે, ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તે કાલે જ જાણ થશે. તેમણે બેંગાલુરૂની હોટેલમાં રહેલા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો અંગે કહ્યું કે, બીજાના માધ્યમથી રાજીનામું મોકલનારા ધારાસભ્યોની રાહ જોઇ રહ્યો છું. તેઓ શા માટે મારો સીધો સંપર્ક નથી કરતા. તેમની સાથે શું બની રહ્યું છે, તેને લઇને હું ચિંતિત છું. તેનાથી લોકતંત્ર પર સવાલ ઉભા થઇ રહ્યા છે.