મુખ્ય સમાચાર
News of Sunday, 5th May 2024

ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ માટે ચીન હતો પહેલી પસંદગીનો દેશ: કોરોના બાદ હવે ચિત્ર બદલાઈ ગયું

અગાઉ ચીનમાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓની સંખ્યા 23 હજારને પાર થઈ ગયેલી તે હવે ઘટીને 10 હજારથી પણ ઓછી થઈ ગઈ

ચીન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ માટે કોરોના અગાઉ મોખરાનો પસંદગીનો દેશ હતો. પણ કોરોના મહામારીને પગલે ચીનમાં વિદ્યાર્થીઓ માટે 3 વર્ષ સુધી લાગેલા પ્રતિબંધને લીધે હવે તેમનો રસ બિલકુલ ઘટી ગયો છે. કોરોના અગાઉ જ્યાં ચીનમાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓની સંખ્યા 23 હજારને પાર થઈ ગયેલી હતી, તે હવે ઘટીને 10 હજારથી પણ ઓછી થઈ ગઈ છે. આ આંકડાને જોતા એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે ભારતીય વિદ્યાર્થીઓની ચીનમાં રસ ઘટી રહ્યો છે.

ચીનમાં ભારતીય દુતાવાસે હવે એવા ભારતીય વિદ્યાર્થીઓ સાથે પોતાનો પહેલા સંવાદ સત્રનું આયોજન કર્યું છે. જેમાં ચીનના વીઝા પ્રતિબંધોને લીધે ત્રણ વર્ષની કોવિડ-19 અવધી દરમિયાન સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચાર મેના રોજ યોજાયેલ સ્વાગત અને સંવાદ સમારંભમાં 13થી વધારે ચીની યુનિવર્સિટીના આશરે 80 જૂના અને નવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચીનમાં ભારતીય રાજદૂત પ્રદીપ કુમાર રાવત અને કાઉન્સિલર નીતિનજીત સિંહે શનિવારે આ સત્ર દરમિયાન વાતચીત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના મહામારી અગાઉ સૌથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ 23 હજારથી વધારે હતા, ત્યારબાદના ક્રમાંક પર પાકિસ્તાનના વિદ્યાર્થી હતી.

વર્તમાન સમયમાં સમગ્ર ચીનમાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 10 હજારથી ઓછી થઈ ગઈ છે. ભારતમાં સરકારી મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ જ સ્પર્ધામાંથી પસાર થવું પડે છે, જ્યારે ખાનગી મેડિકલ કોલેજોમાં ફી અત્યંત વધારે છે.

જ્યારે ચીનમાં સીધી એન્ટ્રી મળવા સાથે જ અહીં પ્રવેશ મળી જાય છે. ભારતની તુલનામાં અનેક ગણું સસ્તુ છે મેડિકલ શિક્ષણ. જેથી ચીનની યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓ માટે પસંદગીનું સ્થાન હતું.

   

(8:10 pm IST)