બ્રાઝિલમાં પૂર અને વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત હજારો લોકો ગુમ
બ્રાઝિલમાં આ અઠવાડિયામાં અતિભારે વરસાદને કારણે અંદાજે 57 થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે

બ્રાઝિલઃ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દક્ષિણના રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલ માં તેની સૌથી વધુ અસર જોવા મળી છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તા ખરાબ રીતે ધોવાઈ ગયા છે. હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.
બ્રાઝિલમાં આ અઠવાડિયામાં અતિભારે વરસાદને કારણે અંદાજે 57 થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે. હજારો લોકો લાપતા પણ થયા છે. રેસ્ક્યુ ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. શનિવારે સિવિલ પ્રોટેક્શન દ્વારા શેર કરવામાં આવેલા નવીનતમ ડેટા અનુસાર વિનાશક પૂરથી 281 નગરપાલિકાઓને અસર થઈ છે.
સ્થાનિક સરકારે જે વિસ્તારોમાં 67,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે તે વિસ્તારોમાં આપત્તિની સ્થિતિ જાહેર કરી છે. પૂરને કારણે લગભગ 10,000 લોકો વિસ્થાપિત થયા છે અને 4,500 થી વધુ લોકો અસ્થાયી આશ્રયસ્થાનોમાં છે.