મુખ્ય સમાચાર
News of Sunday, 5th May 2024

અપહરણ કેસમાં પૂર્વ પીએમ દેવેગૌડાના પુત્ર HD રેવન્નાની ધરપકડ કરાઈઃSIT ને મળી એક દિવસની કસ્ટડી

કોર્ટથી જામીન અરજી રદ્દ થયા બાદ તેમની ધરપકડ થઈ

નવી દિલ્હી, તા.૫

દેશના પૂર્વ પ્રધાનમંત્રી રહેલા એચડી દેવેગૌડાનો પરિવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાય રહ્યો છે. અનેક મહિલાઓના યૌન શોષણના મામલામાં તેમના પુત્ર એચ.ડી. રેવન્ના અને પૌત્ર પ્રજ્જવલ રેવન્ના ફસાયેલા છે. બંને વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રીતે એક પીડિત મહિલાના અપહરણ કેસમાં એસઆઈટીએ આજે એચ.ડી. રેવન્નાની ધરપકડ કરી છે. જ્યારે એસઆઈટીએ તેમની ધરપકડ કરી તો તે પિતા એચ.ડી. દેવગૌડાના ઘર પર હતા. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એક દિવસની રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.

સૂત્રો પ્રમાણે કર્ણાટક સેક્સ સ્કેન્ડલની તપાસ દરમિયાન એક પીડિત મહિલાએ ગુરૂવારે એચ.ડી. રેવન્નાના નજીકના સતીષ બબન્ના વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. પીડિતાનું કહેવું છે કે અપહરણ કરવાની સાથે બળજબરીથી તેનું યૌન શોષણ કરવામાં આવ્યું. ત્યારબાદ બબન્નાની ધરપકડ કરી હતી. હવે એસઆઈટીએ આ મામલામાં એચડી રેવન્નાની ભૂમિકા વિશે પૂછપરછ કરવા ઈચ્છે છે. તે માટે બે વખત નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ રેવન્ના હાજર ન થતાં આજે તેની ધરપકડ કરવામાં આવી છે.

તેમના ઉપર ધરપકડની લટકતી તલવારથી બચવા માટે એચડી રેવન્નાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આજે સાંજે જજ સંતોષ ગજાનન ભટ્ટની સિંગલ બેંચે સુનાવણી બાદ અરજી નકારી દીધી હતી. સાથે રેવન્નાને એક દિવસની એસઆઈટીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપતા મામલાની સુનાવણી ૬ મે સુધી ટાળી દીધી હતી. કોર્ટના આ ચુકાદા બાદ એસઆઈટીએ એચડી રેવન્નાને કસ્ટડીમાં લીધા અને તેને પોતાના હેડક્વાર્ટર લઈ ગઈ છે.

(10:11 am IST)